વેરાવળ-દીવ વચ્ચેથી 130 કિલોમીટરની ઝડપે પસાર થશે વાવાઝોડું

11 June, 2019 05:04 PM IST  |  ગાંધીનગર

વેરાવળ-દીવ વચ્ચેથી 130 કિલોમીટરની ઝડપે પસાર થશે વાવાઝોડું

ગુજરાત પર વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાવાઝોડાની ઝડપ જોતા 13મી જૂને વહેલી સવારે વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડા દરમિયાન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના અધિકારી જયંત સરકારના કહેવા પ્રમામે વાવાઝોડું 13મી જૂન એટલે કે ગુરુવારે વહેલી સવારે પોરબંદર, મહુવા પર ત્રાટકશે અને વેરાવળ તેમજ દીવની વચ્ચેથી પસાર થશે. આ દરમિયાન વાવાઝોડાની સ્પીડ 120થી 130 કિલોમીટર વચ્ચેની રહેશે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. હાલ વાયુ વાવાઝોડું 560 કિલોમીટર દૂર છે. જે ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાને કારણે ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જો કે જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ વરસાદ પણ ઓછો થતો જશે. હાલ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ વાવાઝોડું સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પર ત્રાટકશે. ભાવનગર, અમરેલી, દીવ, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સોમનાથ અને કચ્છ પર અસર કરશે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે વાયુ વાવાજોડું બીજી દિશામાં ફંટાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. જો કે વાવાઝોડાના કારણ હાલ ભલે વરસાદ પડે પરંતુ પછીથી ચોમાસું પાછુ પણ ઠેલાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યના તમામ બંદરોના કર્મચારીઓની રજા કેન્સલ કરી દેવાઈ છે. તો ભાવનગર અને ઘોઘા વચ્ચેની રોરો ફેરી તેમજ કાર્ગો સેવા બંધ કરી દેવાઈ છે.

આ પણ વાંચોઃ સાવધાન ગુજરાતઃ 'વાયુ' આવે છે, 24 કલાકમાં ચક્રવાતી તોફાન ત્રાટકવાની આશંકા

ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી જે. એન. સિંઘે નિવેદન આપ્યું કે આર્મી અને નેવી તેમજ કોસ્ટ ગાર્ડ સાથે સરકાર સતત સંપર્કમાં છે. રાજ્યમાં સાવચેતીના ભાગરૂપે તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે. જો જરૂર પડશે તો દરિયા કાંઠાના વિસ્તારોમાંથી સ્થળાંતર પણ શરૂ કરી દેવાશે.

gujarat rajkot news