'વાયુ'ને કારણે દીવ-ઉનામાં કડાકા ભડાકા સાથે વરસાદ

12 June, 2019 11:48 AM IST  |  રાજકોટ

'વાયુ'ને કારણે દીવ-ઉનામાં કડાકા ભડાકા સાથે વરસાદ

વાયુ વાવઝોડું ધીરે ધીરે ગુજરાત નજીક પહોંચી રહ્યું છે. આ સાથે જ વાયુની અસર દેખાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધી છે, તો ક્યાંક વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. વાવાઝોડાની અસરને કારણે દીવ અને ઉના સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. વહેલી સવારથી જ દીવમાં કાળા ભમ્મર વાદળો જોવા મળ્યા હતા. કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતા લોકોમાં ભય ફેલાયો છે.

ઉનામાં મકાન ધરાશાયી

આ તરફ ઉનામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાની અસરથી આવેલા વરસાદને કારણે વાતાવરણમાં ભય છવાયો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ઉનાના વિદ્યાનગર વિસ્તારમાં એક મકાન પડી જવાની ઘટના સામે આવી છે.

દરિયામાં કરંટ

મળતી માહિતી પ્રમાણે હાલ આ વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારેથી માત્ર 300 કિલોમીટર જેટલું દૂર છે. આ વાવાઝોડાની અસર દીવના દરિયામાં પણ દેખાઈ રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળ્યો છે. વાવાઝોડાને કારણે ફૂંકાઈ રહેલા પવનની અસરથી દીવના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. વેરાવળના દરિયામાં સવારથી જ ઉચા મોજા ઉછળી રહ્યા છે.

કેટલાક વિસ્તારોમાં વરસાદ

અમરેલીમાં પણ વરસાદ નોંધાયો છે. અમરેલીમાં પણ વહેલી સવારથી વાતાવરણ બદલાયું છે. પહેલા કાળા ઘટ્ટ વાદળો બાદ વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કોડીનારમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઈ હતી.

gujarat news saurashtra