મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા ડ્રગ્સની કિંમત ૩૫૦૦ કરોડ પહોંચી ગઈ

18 September, 2021 10:15 AM IST  |  Mundra | Gujarati Mid-day Correspondent

હજી કેટલીક બૅગની તપાસ હજી ચાલુ છે અને ડ્રગ્સની ગુણવત્તા સહિતના માપદંડની ખરાઈ કર્યા બાદ તમામ વિશે સત્તાવાર રીતે ડીઆરઆઇ નિવેદન બહાર પાડશે

પ્રતીકાત્મક તસવીર

મુદ્રા પોર્ટ પર બે દિવસ પહેલાં માડી રાતે ડીઆરઆઇની ટીમે મુંદ્રા પોર્ટ પરથી બે કન્ટેનરને રોકીને એની તલાશી લેતાં એમાંથી ટેલ્કમ પાઉડર હોવાનું ડિક્લેર કરીને કાર્ગોનું ઓરિજન અફઘાનિસ્તાન દર્શાવાયું હતું અને એને લોડ ઈરાનના બંદર અબ્બાસ પોર્ટથી કરાયું હતું, પરંતુ જ્યારે પહેલા કન્ટેનરને ખોલીને તપાસાયું ત્યારે એમાં રહેલી મોટી બૅગમાં તમામ પાઉડર એકસરખા માલૂમ પડતાં એનસીબીની ટીમને અમદાવાદ અને રાજકોટથી બોલાવાઈ હતી, જેણે સ્થળ-પરીક્ષણ કરીને પાઉડરમાં હેરોઇનની માત્રા હોવાની પુષ્ટિ કરી હતી. ત્યાર બાદથી એક-એક થેલાની ચાલી રહેલી તપાસ મંગળ, બુધવાર બાદ ગુરુવારે પણ ચાલુ રહી હતી. ત્રીજા દિવસે ઝડપાયેલા બેમાંથી બીજા કન્ટેનરના કાર્ગોની તપાસ કરાઈ હતી, જેમાં મોડી રાત સુધી થયેલી પ્રક્રિયા વિશે આંતરિક આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અંદાજે ૩૦૦૦ કરોડ રૂપિયાની માર્કેટ-વૅલ્યુ ધરાવતો જથ્થો ઝડપાયો હોય એ સંભવ છે. જોકે હજી કેટલીક બૅગની તપાસ હજી ચાલુ છે અને ડ્રગ્સની ગુણવત્તા સહિતના માપદંડની ખરાઈ કર્યા બાદ તમામ વિશે સત્તાવાર રીતે ડીઆરઆઇ નિવેદન બહાર પાડશે. ગુરુવારે બપોર સુધીમાં ડીઆરઆઇ અમદાવાદ ઝોનલના એડીજી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો મુંદ્રા પોર્ટ પહોંચ્યો હતો. માત્રા, ગુણવત્તા અને કિંમત નિર્ધારણ સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇન્વેસ્ટિગેશનના ફલક પર નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની એન્ટ્રી થાય એની સંભાવના ઉચ્ચ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. મુંદ્રા પોર્ટ પર ૩૫૦૦ કરોડથી વધારેની કિંમતનાં ડ્રગ્સ ઝડપાયાં છે. સતત ત્રીજા દિવસે પણ ચાલેલી તપાસમાં બીજા કન્ટેનરમાંથી મળેલા જથ્થાને મળીને અત્યાર સુધી અંદાજે કુલ ૩૦૦૦ કરોડની આંતરરાષ્ટ્રીય બજારકિંમત ધરાવતો હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે. જોકે હજી પણ ગણના ચાલુ છે અને એની અંતિમ રકમ માત્ર એના જથ્થા સાથે નહીં, પરંતુ ગુણવત્તાના આધારે પણ નક્કી કરાશે. કેટલાક તજ્જ્ઞો કેસને જોતાં આ માત્ર કચ્છ નહીં, દેશભરમાં સૌથી મોટો ડ્રગ્સ સ્મગલિંગનો કેસ ગણાવીને અંતે કુલ જપ્ત જથ્થાની કિંમત ૫૦૦૦ કરોડ સુધી પણ પહોંચી શકે એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

gujarat gujarat news kutch mundra