ગુજરાતમાં 13 જૂનથી ચોમાસાનું થશે આગમન, બે દિવસ બાદ ગરમીમાં રાહત મળશે

09 June, 2019 07:52 AM IST  |  વલસાડ

ગુજરાતમાં 13 જૂનથી ચોમાસાનું થશે આગમન, બે દિવસ બાદ ગરમીમાં રાહત મળશે

વરસાદ

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો છે. જિલ્લાભરમાં બે દિવસથી કાળાંડિબાંગ વાદળ છવાયાં છે. ઉમરગામ અને વાપીની આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. સેલવાસ અને મહારાષ્ટ્રની બૉર્ડરના ગામમાં પણ વરસાદ વરસ્યો છે ત્યારે આકરી ગરમીમાંથી લોકોને રાહત મળી છે.

વલસાડ જિલ્લાના પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે તો બીજી તરફ તાપી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે.

પારડી અને એની આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે જેને કારણે વાતાવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કાળઝાળ ગરમીમાં વરસાદ પડતાં લોકોને બફારાથી આંશિક રાહત મળી તો છે, પણ બીજી તરફ વરસાદ પડતાં કેરીના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને છે.
તાપી જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે. અતિશય ગરમીથી વાતાવરણમાં સામાન્ય રાહત મળતાં લોકોને આંશિક રાહત મળી છે. સવારથી વરસાદી વાતાવરણને કારણે વરસાદની રાહ જોતા ખેડૂતોને પણ આશા બંધાઈ છે.

છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનાં હળવાં ઝાપટાં પડી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના ઇડરે છેલ્લાં ૮ વર્ષનો ગરમીનો રેકૉર્ડ તોડ્યો છે. શુક્રવારે ત્યાં ૪૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો ત્યારે લોકોને ઠંડકનો અનુભવ થતાં રાહતની લાગણી અનુભવાઈ છે.

આ પણ વાંચો : અમદાવાદ : કંસ્ટ્રક્શનની કામગીરી બપોરે 12 થી 4 બંધ રાખવા AMC નો આદેશ

૧૩ જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. શુક્રવારથી પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં બે-ત્રણ દિવસની ગરમી બાદ ચોમાસાની શરૂઆત થઈ જશે.

gujarat ahmedabad