24 June, 2025 06:55 AM IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Vadodara News: વડોદરામાંથી ડરાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બૉમ્બની ધમકી મળી છે. જ્યારે બૉમ્બની ધમકી મળી ત્યારે તમામ વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે તેઓને રજા આપીને ઘરે મોકલી દેવામાં આવ્યાં હતા. આ સાથે જ સ્કૂલના તમામ સ્ટાફને પણ રજા આપી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવરચના સ્કૂલને બૉમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો. ત્યારબાદ ચકચાર મચી જવા પામી હતી. આખી સ્કૂલમાં હોહા મચી ગઈ હતી અને વાલીઓને સમાચાર મળતા તેઓ પણ ગભરાઈ ગયા હતા. તાત્કાલિક તમામ બાળકોને રજા આપી દેવામાં આવી હતી.
હાલમાં પોલીસ અને ડોગ સ્કવોડની ટીમો ઘટના સ્થળે તપાસ (Vadodara News) કરી રહી છે. અને સઘન તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં તમામ પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરતાં બૉમ્બ ડિસ્પોઝલ ટીમ, સ્નિફર ડોગ્સ અને વિવિધ પોલીસ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પરિસરની સંપૂર્ણ તપાસ કરવા માટે સ્કૂલમાં પહોંચી ગયા છે. પરંતુ રાહતના સમાચાર તો એ છે કે અત્યાર સુધી સ્કૂલ કે તેના પેરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, છતાં પણ પોલીસ અધિકારીઓ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તપાસ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ કૈં પહેલીવાર (Vadodara News) બન્યું હોય એવું નથી. આ પહેલાં પણ આ જ સ્કૂલને બૉમ્બથી ઉડાવી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે. ગત 24 જાન્યુઆરીના રોજ શાળાનાં પ્રાચાર્યા કાશ્મીરા જયસ્વાલને આ જ રીતનો ઈમેલ મળ્યો હતો. જે ડાર્ક વેબ દ્વારા મોકલવામાં આવ્યો હતો. જ્યારે આ મેસેજ મળ્યો ત્યારે પણ આખી સ્કૂલમાં ભયનો માહોલ સર્જાયો હતો. અને ત્યારે પણ તપાસ કરવામાં આવી હતી.
આજે સવારે ફરી આ જ સ્કૂલને બૉમ્બની ધમકીનો ઇમેઇલ આવ્યો હતો. લગભગ સવારે 9:00 વાગ્યે શાળા વહીવટીતંત્રને આ ઈમેલ આવ્યો હતો. થોડી જ મિનિટોમાં શાળાએ ઝડપથી કાર્યવાહી કરી, પોલીસને ચેતવણી આપી અને તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પરિસરમાંથી બહાર સુરક્ષિત રીતે બહાર કર્યા હતા. લગભગ 9:15 વાગ્યે તો સ્ટુડન્ટ્સને સ્કૂલ બસો અને ખાનગી પિકઅપ્સ દ્વારા પોતપોતાનાં ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્કૂલ અને તેના કેમ્પસને પોલીસ, બૉમ્બ ડિસ્પોઝલ ટીમો અને અને ડોગ સ્કવોડ્સ દ્વારા કોર્ડન કરી નાખવામાં આવ્યો હતો.
Vadodara News: સ્કૂલના પ્રવક્તાએ વાલીઓને જણાવ્યું હતું કે, "આ જ વર્ષની શરૂઆતમાં પણ આવો જ મેસેજ આપણને મળ્યો હતો. પણ આ વખતે આપણે કોઈ રિસ્ક લેવું નથી. તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક સલામત વિસ્તારમાં ખસેડવામાં આવ્યા છે અને પરિસરને પણ નિરીક્ષણ માટે સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવ્યો હતો.”