આજે ગુજરાત સ્થાપના દિનથી યુવાનો માટે વૅક્સિનેશન

01 May, 2021 02:12 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રૂપાણીએ કહ્યું, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત ૧૦ જિલ્લાઓમાં વિનામૂલ્ય અપાશે રસી: ગુજરાતે અઢી કરોડ વૅક્સિનનો ઑર્ડર આપી દીધો

ફાઈલ તસવીર

ગુજરાતમાં જે ૧૦ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે એવા જિલ્લાઓમાં આજે ગુજરાતના સ્થાપના દિનથી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને સરકાર દ્વારા વિનામૂલ્ય વૅક્સિન આપવાની કામગીરી શરૂ થશે. ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધુ છે એની માહિતી આપતાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે ‘જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા ૧૦ જિલ્લા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્ય વૅક્સિન અપાશે. જે યુવાનોએ પૉર્ટલ પર ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેઓ પૈકીના આ ૧૦ જિલ્લાના યુવાનોને જ એસએમએસને આધારે વૅક્સિન લેવાની રહેશે.’

વિજય રૂપાણીએ કહ્યું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં યુવાનો માટે વૅક્સિનેશનનો આરંભ થઈ રહ્યો છે. ગુજરાતે ભારતના સ્વદેશી વૅક્સિન ઉત્પાદકોને અઢી કરોડ વૅક્સિન ડોઝ માટે ઑર્ડર આપી દીધો છે.’

તેઓએ વધુમાં કહ્યું કે ‘મે મહિના દરમ્યાન ગુજરાતને વૅક્સિનના ૧૧ લાખ ડોઝ મળશે. હજી વધુ જથ્થો પ્રાપ્ત થાય એ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.’

coronavirus covid19 gujarat