ગુજરાતમાં કમોસમી વરસાદ, ભરઉનાળે કચ્છમાં કરા પડ્યા

02 May, 2021 01:21 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં કેરીના પાકને પણ અસર થવાની સંભાવના

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યા પછી આજે પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં બે દિવસ દરમિયાન ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી. ત્યારે આજે રવિવારે સવારે અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં નાનું વરસાદી ઝાપટું પડ્યું હતું. તો ગઇકાલે કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ સાથે અમરેલી, જામનગર, જેતપુર, અંબાજીમાં પણ માવઠું પડ્યું હતું. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં કેરીના પાકને પણ અસર થવાની સંભાવના છે.

શનિવારે રાપર, ભચાઉ અને ભુજ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ક્યાંક કરા પણ પડ્યા હતા. બપોર બાદ કાળા ડિંબાંગ વાદળો ઘેરાયા હતા. આ ઉપરાંત સૂસવાટાભેર પવનની સાથે વરસાદ વરસ્યો હતો. ભુજ તાલુકાના બન્ની વિસ્તાર, રાપર અને ભચાઉ તાલુકામાં માવઠાથી અડધાથી દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો.

ગઈ કાલે રાતે વડોદરામાં દિવસ દરમિયાનની ગરમી ને ઉકરાટ બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. ધીમી ધારે છાંટા પડતા  વતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિવસ દરમિયાન આકાશ વાદળછાયું રહ્યું હતું. આ સિવાય મહેસાણામાં ઊંઝાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેમજ પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી.

નોંધનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, રવિવારે વડોદરા, સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગરમાં ૩૦થી ૪૦ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદ પડી શકે છે.

gujarat Gujarat Rains weather updates ahmedabad gandhinagar vadodara kutch