02 May, 2023 01:04 PM IST | Ahmedabad | Shailesh Nayak
સ્થાનિક નદીમાં પાણી આવતાં ધારી–બગસરા હાઇવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર થોડા સમય માટે બંધ રહ્યો હતો અને લોકો અટવાઈ ગયા હતા.
કમોસમી વરસાદ ગુજરાતનો પીછો હજી નથી છોડી રહ્યો. ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૨ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં બપોરે બેથી ચાર વાગ્યા દરમ્યાન બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પાણી આવતાં હાઇવે પર પાણી ફરી વળતાં ધારી-બગસરા હાઇવે પર ટ્રાફિક ખોરવાયો હતો અને વાહનચાલકો અટવાઈ ગયા હતા. અમરેલીના સાવરકુંડલા તાલુકામાં સવા ઇંચથી વધુ તેમ જ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગઢડા અને નખત્રાણા તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત કલ્યાણપુર, ઉમરગામ, લીલિયા, અંજાર, ઉપલેટા, રાજકોટ, ચોટીલા, દ્વારકા, જામકંડોરણા, વિસાવદર, કચ્છના માંડવી, ખેરગામ, જેતપુર, ભાણવડ અને કાંકરેજ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. પાંચમી મે સુધી ગુજરાતમાં અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે આજથી રાજ્યભરમાં ફરી રાબેતા મુજબની ગરમી શરૂ થઈ જાય એવી આગાહી છે.