ઉમરગામમાં આભ ફાટ્યું : બે કલાકમાં ૮.૫ ઇંચ વરસાદ

19 July, 2021 01:44 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

દક્ષિણ ગુજરાત પર સાંબેલાધાર વરસાદ : મહારાષ્ટ્રનું વરસાદનું પાણી ઉમરગામની બૉર્ડરનાં ગામોમાં ફરી વળ્યું : વલસાડ, નવસારી, સુરત, તાપી જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા : વાપીમાં કુલ નવ ઇંચ વરસાદ : જનજીવન અસ્તવ્યસ્ત

દક્ષિણ ગુજરાતમાં ગઈ કાલે સવારથી જ ભારે વરસાદ પડવાને કારણે રસ્તો જાણે નદી બની ગયો હતો. ઘરોમાં, દુકાનોમાં અને જાહેર સ્થાનોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં ગઈ કાલે આભ ફાટ્યા જેવી સ્થિતિ સરજાઈ હતી અને સવાર-સવારમાં ૬થી ૮ વાગ્યા દરમ્યાન બે કલાકમાં સાડાઆઠ ઇંચ અને વાપીમાં આ જ સમય દરમ્યાન ૬ ઇંચથી વધુ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો, જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું; એટલું જ નહીં, સરીગામ બાયપાસ રોડ પાસેના નાળામાં પાણી આવતાં ફસાઈ ગયેલા ૧૪ લોકોને ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા.
ગઈ કાલે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતાં નાગરિકોને પારાવાર તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને ઉમરગામમાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય એમ સવારમાં જ ૨૧૫ મિલીમીટર એટલે કે સાડાઆઠ ઇંચથી વધુ વરસાદ પડતાં ઉમરગામ પાણી-પાણી થઈ ગયું હતું. ઉમરગામમાં દિવસ દરમ્યાન કુલ ૨૩૪ મિલીમીટર એટલે કે સવા નવ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ઉમરગામમાં સ્ટેશન રોડ, ગાંધીવાડી, જીઆઇડીસી સહિતના વિસ્તારો પાણીમાં જાણે કે ગરકાવ થઈ ગયા હોય એટલાં પાણી ભરાયાં હતાં. લોકોનાં ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જતાં પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.
કહેવાઈ રહ્યું છે કે મહારાષ્ટ્રમાં વરસાદ પડતાં આ વરસાદી પાણી ઉમરગામની બૉર્ડરનાં ગામોમાં ફરી વળ્યાં હતાં. ઉમરગામ પાસે આવેલું ટીંભી ગામ બેટમાં ફેરવાયું હતું. એમાં પણ ટીંભીના માછીવાડાની હાલત ખરાબ થઈ ગઈ હતી. ઉમરગામ પાસે આવેલા ટોકરખાડા પાસે ખાડીમાં વરસાદી પાણી આવતાં પૂર જેવી સ્થિતિ સરજાઈ હતી. ખાડી નજીક આવેલા સ્મશાનમાં પાણી ફરી વળ્યાં હતાં. આ સ્મશાનગૃહમાં મૃતદેહની અંતિમવિધિ માટે આવેલા ડાઘુઓ પાણી ઊતરે એની રાહ જોતાં દોઢ-બે કલાક બેસી રહ્યા હતા, જ્યારે નનામીના સ્ટૅન્ડથી નીચે પાણી ઊતર્યાં ત્યારે મૃતદેહને અગ્નિદાહ અપવો પડ્યો હતો. બીજી તરફ સરીગામ બાયપાસ રોડ પર પાણી ફરી વળતાં વાહનચાલકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડે આ સ્થળેથી ૧૪ વ્યક્તિઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.
વાપીમાં પણ ગઈ કાલે દિવસ દરમ્યાન કુલ ૨૨૬ મિલીમીટર એટલે કે ૯ ઇંચ વરસાદ પડતાં વાપી જાણે કે જળમગ્ન બની ગયું હતું. વાપીના અન્ડરપાસમાં પાણી ભરાઈ ગયાં હતાં.
ગઈ કાલે ઉમરગામ અને વાપી ઉપરાંત જલાલપોરમાં ૬ ઇંચથી વધુ, વલસાડમાં ૬ ઇંચ જેટલો, નવસારી અને ગણદેવીમાં પાંચ ઇંચ જેટલો, કામરેજ–તિલકવાડામાં સાડાચાર ઇંચથી વધુ, ચીખલી, ખેરગામ અને બારડોલીમાં ૪ ઇંચથી વધુ વરસાદ પડતાં નાગરિકો હતપ્રભ થઈ ગયા હતા. લોકોનાં ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ જતાં એને ઉલેચવા માંડ્યા હતા. ગઈ કાલે ગુજરાતમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૮૮ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.

 

 

shailesh nayak Gujarat Rains gujarat