14 July, 2026 09:59 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
રથયાત્રાના રૂટ પર પોલીસે ફુટ પૅટ્રોલિંગ કર્યું હતું.
અષાઢી બીજે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથાયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય એ માટે જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા કરવામાં આવી છે. એમાં અંદાજે ૩૧,૦૦૦થી વધુ પોલીસો તહેનાત રહેશે. આજથી જગન્નાથ મંદિરમાં રથયાત્રા લોકોત્સવનો ભક્તિભાવ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે રૅપિડ ઍક્શન ફોર્સ (RAF)ની ટીમ મંદિરમાં ગોઠવાઈ ગઈ હતી.
રથયાત્રા શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં યોજાય એ માટે શાંતિ સમિતિની ૬૯ મીટિંગ, મહોલ્લા સમિતિની ૭૯ બેઠક તથા વિવિધ સંપ્રદાયના ધાર્મિક આગેવાનો સાથે ૧૭૮ બેઠકો શહેર પોલીસે કરી હતી.
કૉર્પોરેશનના ૧૫ મેડિકલ ઑફિસર અને ૧૦૦ આરોગ્ય-કર્મચારીઓ તથા ૩૧ ફાયર વ્હીકલ અને ૨૩૭ ફાયર-જવાનો તહેનાત રહેશે.
રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સુરક્ષા-વ્યવસ્થામાં સ્થાનિક પોલીસ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) તેમ જ RAFની ટીમો પણ બંદોબસ્તમાં રહેશે.
૨૪૦થી વધુ ધાબા પૉઇન્ટ, ૬૫ ડ્રોન, ૨૮૦૦થી વધુ બૉડીવૉર્ન કૅમેરાની અમદાવાદ શહેરની પોલીસ રથયાત્રા પર નજર રાખશે. રથયાત્રાના રૂટ પર ૩૩૦૦ જેટલા સરકારી અને પ્રાઇવેટ ક્લોઝડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાથી ધ્યાન રાખવામાં આવશે.
પૅરામિલિટરી ફોર્સ, સ્ટેટ રિઝર્વ પોલીસ, ચેતક કમાન્ડો અને હોમગાર્ડના જવાનો તહેનાત રહેશે. ગઈ કાલે અમદાવાદ પોલીસે જગન્નાથ મંદિરથી લઈને રથયાત્રાના સમગ્ર રૂટ પર ફુટ પૅટ્રોલિંગ યોજ્યું હતું. એમાં ૨૦૦૦થી વધુ પોલીસ-અધિકારીઓ સહિતના કર્મચારીઓ તેમ જ RAFના જવાનો પણ જોડાયા હતા.