26 May, 2024 10:04 AM IST | Surat | Shailesh Nayak
જળબિલાડી
વર્ષ ૨૦૦૬નો એ ગોઝારો દિવસ સુરતવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. તાપી નદીમાં આવેલા ઝંઝાવાતી પૂરે સુરતની ‘સૂરત’ બગાડી નાખીને જાણે કે બદસૂરત બનાવી દીધું હતું. તાપી નદીના કિનારે બે-બે ત્રણ-ત્રણ માળ સુધી પૂરનાં પાણી ભરાઈ ગયાં હતાં. કંઈકેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા. પૂરના પ્રકોપથી સુરતવાસીઓ બચવા માટે પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અમરોલી વિસ્તારમાં ભરાયેલા પાણીમાંથી જળબિલાડીની જોડી મળી આવી હતી. માનવોને બચાવવાની કામગીરી વચ્ચે આ અબોલ જીવને પણ બચાવવા રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું અને બન્નેને સરથાણા નેચર પાર્કમાં મોકલી આપવામાં આવ્યા. ત્યાં એની શુશ્રૂષા કરવામાં આવી. દેખભાળ રાખવાથી આ બે અબોલ જીવનો જીવ બચી જતાં પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે જળબિલાડીની જોડી સુરતના નેચર પાર્ક માટે આશીર્વાદરૂપ બની ગઈ છે. જળબિલાડીની પેરને નેચર પાર્કમાં એવું તો વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું કે એક સમયે સુરતમાં એક પણ જળબિલાડી જોવા મળતી નહોતી ત્યાં આજે જળબિલાડીની સંખ્યા ધીરે-ધીરે કરીને ૪૨ ઉપર પહોંચી છે અને દેશભરમાંથી ઝૂવાળાઓ જળબિલાડી તેમને ત્યાં મોકલી આપવા માટે માગણી કરી રહ્યા છે ત્યારે સુરતમાં જન્મ લેતી જળબિલાડીઓની દુનિયામાં આજે ડોકિયું કરીએ.
સુરતમાં આવેલો નેચર પાર્ક ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી ઝોઓલૉજિકલ ગાર્ડન.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત નેચર પાર્ક કે જેનું પાછળથી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઝોઓલૉજિકલ ગાર્ડન તરીકે નામકરણ થયું એ નેચર પાર્કના ઇન્ચાર્જ ઝૂ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાજેશ પટેલ સુરતની જળબિલાડીની રસપ્રદ વાત કરતાં કહે છે, ‘સુરતમાં પહેલાં જળબિલાડી નહોતી, પરંતુ ૨૦૦૬માં સુરતમાં તાપી નદીમાં ફ્લડ આવ્યું હતું. આ ફ્લડમાં અમરોલી વિસ્તારમાંથી જળબિલાડીની એક પેર - મેલ અને ફીમેલ, મળી આવી હતી. ત્યાંથી એમને રેસ્ક્યુ કરાયાં હતાં અને નેચર પાર્કમાં લાવવામાં આવ્યાં હતાં. એમના માટે અલગ પાંજરાં તૈયાર કરાયાં, પાણી સાથેનો અલગ વિસ્તાર તૈયાર કરાયો છે અને એમને જે વાતાવરણ જોઈએ એ અહીં પૂરું પાડવા તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. અહીં એમને સેટલ થવામાં દોઢ-બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો. એમના માટે વાતાવરણ અનુકૂળ થતાં નેચર પાર્કમાં ૨૦૦૮માં બ્રીડિંગ સક્સેસફુલી થયું અને ત્યારથી અત્યાર સુધીમાં જળબિલાડીઓનાં ૪૨ બચ્ચાંઓનો બર્થ થયો છે. જોકે ત્રણ જળબિલાડીઓનાં ડેથ પણ થયાં છે.’
ભારતમાં એકમાત્ર સુરત એવું સ્થળ છે જ્યાં જળબિલાડીનું બ્રીડિંગ થાય છે અને દેશના ઝૂ ઑથોરિટીવાળાઓ અહીંથી જળબિલાડી લઈ ગયા છે એ વિશે વાત કરતાં ડૉ. રાજેશ પટેલ કહે છે, ‘ભારતમાં જળબિલાડીઓ માટેનું એકમાત્ર બ્રીડિંગ સેન્ટર સુરતમાં છે. આવું સેન્ટર કોઈ જગ્યાએ નથી. અહીંથી ૧૭ જેટલી જળબિલાડીઓને દેશનાં બીજાં ઝૂ સાથે ઍનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ એક્સચેન્જ કરી છે પરંતુ ત્યાં પણ એવો રેકૉર્ડ નથી કે ત્યાં સક્સેસફુલ બ્રીડિંગ થયું હોય. કૅપ્ટિવિટીમાં એકલા સુરતમાં બ્રીડિંગ થાય છે. સુરતથી અમદાવાદ, મૈસૂર, હૈદરાબાદ, ચંડીગઢ, જયપુર, રાજકોટ, જામનગર, રાયપુર જંગલ સફારી સહિતનાં ઝૂમાં ૧૭ જળબિલાડીઓ આપી છે.’
જળબિલાડીને તમે જોઈ હશે. કદાચ ન જોઈ હોય તો એ કંઈ વિશાળ કાયા ધરાવતું પ્રાણી નથી. આપણે ત્યાં બિલાડીઓ હોય છે એના કરતાં સાઇઝમાં થોડી મોટી અને એની પૂંછડી મોટી હોય છે પણ દેશમાં એની વૅલ્યુ બહુ છે અને જળબિલાડીના બદલામાં સિંહ અને વાઘ પણ મળ્યા છે એની વાત કરતાં રાજેશભાઈ કહે છે, ‘અમારા નેચર પાર્ક માટે તો જળબિલાડી આશીર્વાદરૂપ બની છે. એક્સચેન્જ પોગ્રામ માટે તો આ જળબિલાડી મહામૂલી છે એવું કહી શકાય. એની કન્ઝર્વેશન વૅલ્યુ વધારે છે. દેશનાં અન્ય ઝૂમાં ૧૭ જળબિલાડી આપી એની સામે રાયપુરથી લાયનની પેર મળી, રાજકોટમાંથી વાઇટ ટાઇગરની પેર મળી, મકાઉની બે પેર, હરણાં, રીંછ, જૅકલ, પેલિકન સહિતનાં ૬૦થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ સુરત નેચર પાર્કને ઍનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ દેશનાં જુદા-જુદા ઝૂમાંથી મળ્યાં છે.’
સુરતની જળબિલાડીઓની ડિમાન્ડમાં ઉછાળો આવ્યો છે અને એનું વેઇટિંગ ચાલે છે એ મુદ્દે વાત કરતાં ડૉ. રાજેશ પટેલ કહે છે, ‘દિલ્હી, ત્રિવેન્દ્રમ, નાગપુર, વિશાખાપટ્ટનમ, વડોદરા અને અમદાવાદ ઝૂની ડિમાન્ડ પેન્ડિંગ છે. ૬ જળબિલાડીઓની ડિમાન્ડ હાલમાં છે. અમારે ત્યાં બે જળબિલાડીમાંથી એની સંખ્યામાં જેમ-જેમ વૃદ્ધિ થતી ગઈ તેમ-તેમ અન્ય ઝૂને એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવે છે, પરંતુ અમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડે છે કે બચ્ચાં આવે એટલે કેટલાંક અમે રાખીએ છીએ, નહીં તો અહીં બ્રીડિંગ બંધ થઈ જાય. જળબિલાડીઓને ડિસ્ટર્બ નથી કરતા, જો એમ કરવામાં આવે તો બ્રીડિંગ ડિસ્ટર્બ થાય અને એમ કરવાનો કોઈ મતલબ નથી એટલે જળબિલાડીઓના એક્સચેન્જ કેસમાં સમજી-વિચારીને આગળ વધીએ છીએ. જનરલી ઑગસ્ટમાં મેટિંગ થાય છે અને નવેમ્બર-ડિસેમ્બરમાં બ્રીડ થાય છે. અમારો ટાર્ગેટ છે કે દેશના દરેક ઝૂમાં જળબિલાડીની એક-એક પેર મૂકવી જેથી ઝૂમાં આવતા સહેલાણીઓ એને જોઈ શકે તેમ જ એજ્યુકેશનલ પર્પઝથી પણ એનો ઉપયોગ થઈ શકે.’