આખી ને આખી ફૅમિલી બને છે કોવિડનો શિકાર

23 November, 2020 08:20 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

આખી ને આખી ફૅમિલી બને છે કોવિડનો શિકાર

આખી ને આખી ફૅમિલી બને છે કોવિડનો શિકાર

ગુજરાતમાં કોરોનાની સેકન્ડ ઇનિંગ્સ શરૂ થઈ છે અને એમાં અમદાવાદમાં દિવાળી પછી કોરોનાની નવી મુસીબત ઊભી થઈ છે. અમદાવાદમાં કોરોનાએ જાણે પૅટર્ન બદલી હોય એમ હવે આખી ને આખી ફૅમિલી કોરોના-સંક્રમિત થઈ રહી છે. જાણ્યે-અજાણ્યે ફૅમિલીના વધુ ને વધુ સભ્યો કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે. આ નવી મુશ્કેલી ઊભી થતાં ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સત્તાવાળાઓએ ૧૦૮ ઍમ્બ્યુલન્સને એવી સૂચના આપી છે કે બને ત્યાં સુધી એક પરિવારના સભ્યોને એક જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવે.
અમદાવાદમાં ગઈ કાલે કોરોનાના ૩૧૮ કેસ નોંધાયા હતા અને ૮ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં. દિવાળી બાદ છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન એટલે કે ૧૬ નવેમ્બરથી ગઈ કાલ સુધીમાં અમદાવાદમાં કોરોનાના કુલ ૧૮૪૨ કેસ નોંધાયા છે અને ૨૯ દરદીઓનાં મૃત્યુ થયાં છે. જે રીતે દિવાળી બાદ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે એમાં એવું જોવા મળ્યું છે કે એક જ ફૅમિલીના વધુ ને વધુ સભ્યો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદના ઘણાબધા વિસ્તારોમાં હવે એક જ ફૅમિલીના બે, ચાર કે એથી વધુ સભ્યો કોરોના-પૉઝિટિવ આવ્યા હોય અને તેઓ સારવાર લઈ રહ્યા છે.
એક જ ફૅમિલીમાં વધુ સભ્યો કોરોના-સંક્રમિત થઈ રહ્યા હોવાના કિસ્સા સામે આવતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ગઈ કાલે જાહેર કર્યું હતું કે એક જ પરિવારના સભ્યોને અલગ-અલગ હૉસ્પિટલમાં દાખલ કરવાની બાબતે તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સને સૂચના આપવામાં આવી છે કે બને ત્યાં સુધી એક પરિવારના સભ્યોને એક જ હૉસ્પિટલમાં લઈ જવા. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારી ડૉ. ભાવિન સોલંકીનો આ મુદ્દે ‘મિડ-ડે’એ વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમણે ફોન સિસીવ નહોતો કર્યો.
જોકે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ વિભાગના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક ફૅમિલીમાં કોરોનાના એકથી વધુ કેસ થયા હોવાનું છેલ્લા કેટલાક દિવસથી ધ્યાનમાં આવ્યું છે. પહેલાં કોરોનાનું ધ્યાન રાખતા હતા, પરંતુ વચ્ચે કોરોનાના કેસ ઓછા થઈ ગયા એટલે લોકોએ ધ્યાન રાખવાનું ઓછું કરી દીધું છે. લોકો તેમના ઘરમાં પણ ધ્યાન નથી રાખતા એટલે આવા કિસ્સા બની રહ્યા છે.’

gujarat shailesh nayak ahmedabad coronavirus covid19