અમદાવાદમાં પહેલી વાર ટ્રેન દોડશે અન્ડરગ્રાઉન્ડ

21 September, 2022 08:40 AM IST  |  Mumbai | Shailesh Nayak

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના એકસાથે બે રૂટ શરૂ થશે, વડા પ્રધાન મોદી પાંચમા નોરતે અમદાવાદમાં શરૂ કરાવી શકે છે મેટ્રો રેલવે

અમદાવાદમાં ટ્રૅક પર મેટ્રો ટ્રેન.


અમદાવાદ ઃ ગુજરાતના અમદાવાદમાં પહેલી વાર અન્ડરગ્રાઉન્ડ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. અમદાવાદના કોટ વિસ્તારમાં ચારેક સ્ટેશનો વચ્ચે ટનલમાં મેટ્રો રેલ દોડશે. જેની લાંબા સમયથી પ્રતીક્ષા થઈ રહી છે એ મેટ્રો ટ્રેનના એકસાથે બે રૂટ અમદાવાદમાં શરૂ થશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમા નોરતે અમદાવાદમાં મેટ્રો રેલ શરૂ કરાવી શકે છે.
અમદાવાદમાં ૩૦ સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેનના બે રૂટ શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં પહેલી વાર અમદાવાદમાં અન્ડરગ્રાઉન્ડ ટનલમાં મેટ્રો રેલ દોડશે. અમદાવાદમાં અપેરલ પાર્ક સ્ટેશનથી મેટ્રો રેલ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં ઊતરીને કાંકરિયા, કાલુપુર, ઘીકાંટા અને શાહપુર સ્ટેશન વચ્ચે અન્ડરગ્રાઉન્ડમાં દોડશે અને શાહપુર સ્ટેશનથી અન્ડરગ્રાઉન્ડમાંથી 
ટ્રેન બહાર નીકળશે. હાલમાં બન્ને રૂટનાં મેટ્રો સ્ટેશનોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 


મેટ્રો રેલનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થલતેજથી વસ્ત્રાલ અને એપીએમસીથી મોટેરા સુધીના બે રૂટ શરૂ થશે. ૩૦ સપ્ટેમ્બરે આ બન્ને રૂટ શરૂ થવાની શક્યતા છે. હાલમાં આ બન્ને રૂટ પર ટ્રાયલ રન ચાલી રહ્યા છે.’

gujarat news ahmedabad