દાદાગીરીઃ પ્રિન્સિપાલને વિદ્યાર્થિનીના પગે લગાવ્યાં

14 May, 2022 11:25 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદની સાલ કૉલેજે વિદ્યાર્થિનીના પેરન્ટ્સને બોલાવતાં એબીવીપીના કાર્યકરો પ્રિન્સિપાલની ઑફિસમાં ધસી ગયા

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના અમદાવાદમાં આવેલી સાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિપ્લોમા સ્ટડીઝ કૉલેજમાં વિદ્યાર્થિનીની એટેન્ડન્સના મુદ્દે વિવાદ સરજાયો હતો, જેમાં હદ તો ત્યાં થઈ ગઈ હતી કે એબીવીપીના કાર્યકરોએ કૉલેજનાં મહિલા પ્રિન્સિપાલ પાસે વિદ્યાર્થિનીની માફી મગાવવા સાથે પગે લગાડાવ્યાં હતાં એટલું જ નહીં, આનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
સાલ કૉલેજના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીની ઓછી હાજરી હોવાથી કૉલેજે તેના પેરન્ટ્સને બોલાવવા કહ્યું હતું. આ વાત એબીવીપીના કાર્યકરો સુધી પહોંચી ગઈ હતી. એબીવીપીના કાર્યકરો ગુરુવારે કૉલેજમાં પહોંચી ગયા હતા અને પ્રિન્સિપાલની ઑફિસમાં ધસી ગયા હતા. વિદ્યાર્થિનીને હાજર રાખીને મહિલા પ્રિન્સિપાલ સાથે કાર્યકરોએ બોલાચાલી કરી હતી અને માફી માગવા જણાવ્યું હતું. વાઇરલ થયેલા વિડિયોમાં પ્રિન્સિપાલ તેમ જ સ્ટાફનાં એક અન્ય બહેન પણ વિદ્યાર્થિનીને પગે લાગતાં જોવા મળ્યાં હતાં. સાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિપ્લોમા સ્ટડીઝ કૉલેજનાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. મોનિકા ગોસ્વામીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘વિદ્યાર્થિનીની એટેન્ડન્સ ઓછી હતી એટલે તેના પેરન્ટ્સને બોલાવવા જણાવ્યું હતું પણ એબીવીપીના કાર્યકરો આવ્યા હતા. તેમની સાથે બહારના લોકો પણ હતા અને અગ્રેસિવ રીતે વાત કરી હતી. મારા સ્ટાફ સાથે બદતમીઝી કરી હતી.’
એબીવીપીએ માફી મગાવીને વિડિયો વાઇરલ કર્યો એ કેટલું યોગ્ય કહેવાય એમ પૂછતાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. મોનિકા ગોસ્વામીએ કહ્યું હતું કે આ મૅટરમાં બોલવાનું પસંદ નહીં કરું. મૅનેજમેન્ટ સાથે ડિસ્કસ કરવાનું પસંદ કરીશ.

gujarat news ahmedabad