અમદાવાદમાં જગન્નાથ મંદિર પરિસર વિરાટ સ્વરૂપે આકાર લેશે

04 June, 2023 10:07 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

મંદિર કૅમ્પસનું થશે રીડેવલપમેન્ટ, જમાલપુર દરવાજાથી લઈને મ્યુનિસિપલ સ્કૂલ સુધી જગન્નાથ મંદિરનો આખો એક વિશાળ કૅમ્પસ બનશે, ધર્મશાળા, મ્યુઝિયમ બનશે, ભગવાનના જૂના રથ મ્યુઝિયમમાં રખાશે દર્શન માટે

અમદાવાદમાં આવેલા આ જગન્નાથ મંદિર કૅમ્પસનું રીડેવલપમેન્ટ થશે. જગન્નાથ મંદિર કૅમ્પસમાં મુકાયેલા આ જૂના રથ મ્યુઝિયમમાં મુકાશે.

‘જગતના નાથ’ ભગવાન જગન્નાથજીના વિરાટ સ્વરૂપની જેમ અમદાવાદમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરનો પરિસર વિરાટ સ્વરૂપે આકાર લેવા જઈ રહ્યો છે. શહેરના જમાલપુર દરવાજાથી લઈને મ્યુનિસિપલ સ્કૂલ સુધી જગન્નાથ મંદિરનો આખો એક વિશાળ કૅમ્પસ બનશે, જેમાં ધર્મશાળા, મ્યુઝિયમ બનાવવા ઉપરાંત મંદિરની રિક્વાયરમેન્ટ પ્રમાણે રીડેવલપમેન્ટ થશે. જગન્નાથ મંદિર કૅમ્પસના રીડેવલપમેન્ટ માટે રથયાત્રા બાદ કાર્યવાહી હાથ ધરાશે. 
અમદાવાદના જગન્નાથ મંદિરેથી આજે હર્ષોલ્લાસ સાથે જળયાત્રા યોજાશે એવા સમયે ભગવાન જગન્નાથજીના મંદિર પરિસરને રીડેવલપમેન્ટ કરવાની આનંદદાયક વિગતો બહાર આવી છે. અમદાવાદના જમાલપુર દરવાજા પાસેથી લઈને મ્યુનિસિપલ સ્કૂલ તેમ  જ સાબરમતી નદી તરફના વિસ્તાર સુધી જગન્નાથ મંદિરનો વ્યાપ છે ત્યારે આ આખો એક જ કૅમ્પસ બને એવું આયોજન હાથ ધરાયું છે. જગન્નાથ મંદિર કૅમ્પસ વિશાળ બનશે ત્યારે ભાવિકોને વધુ સુવિધા મળી રહેશે અને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીનાં દર્શન મોકળાશથી કરી શકશે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ ‘મિડ-ડે’ને ખાસ કહ્યું હતું કે ‘મંદિર કૅમ્પસનો રીડેવલપમેન્ટનો પ્લાન છે. એ ફાઇનલ થતાંની સાથે જ કામ હાથ ધરાશે. આ પ્લાન છે એ હયાત મંદિર કૅમ્પસનો પ્લાન છે. રીડેવલપ થયેલા નવા કૅમ્પસમાં મંદિરની રિક્વાયરમેન્ટ પ્રમાણે કામગીરી થશે, જેમ કે ધર્મશાળા, હાથીખાનું, સંતનિવાસ એ બધું રીડેવલપમેન્ટમાં છે. આ ઉપરાંત મ્યુઝિયમ પણ બનશે, જેમાં ભગવાનના જૂના રથ મૂકવામાં આવશે. ભાડવાતો છે તેમને મકાન બનાવી આપવામાં આવશે.’
તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘કોટ છે, પાછળની સાઇડ છે. આખું હાથીખાનું, સંતનિવાસ એ બધું એક કરી દેવામાં આવશે. જમાલપુર દરવાજાથી લઈને મ્યુનિસિપલ સ્કૂલ સુધી જગન્નાથ મંદિરનો આખો એક કૅમ્પસ થશે. રથયાત્રા બાદ રીડેવલપમેન્ટનું કાર્ય હાથ ધરીશું.’ 

shailesh nayak gujarat gujarat news ahmedabad