અજબ પ્રેમ કી ગજબ કહાની

06 February, 2023 08:02 AM IST  |  Mumbai | Alpa Nirmal

એકબીજાને સરપ્રાઇઝ આપવી એ કંઈ નવી વાત નથી, પણ આજે અમદાવાદમાં થનારાં લગ્નમાં માન્યતા આશરા અને રથિન શાહની સાથે તેમની પ્રેમગાથા પણ ફેરા ફરશે. તેઓ ક્યારે મળ્યાં, ફેવરિટ ફૂડ, હૉબી, ફર્સ્ટ ગિફ્ટ, ગમતીલું ક્વોટ, ફ્યુચર ડ્રીમ સહિતનાં અવનવાં એલિમેન્ટ્સ..

અજબ પ્રેમ કી ગજબ કહાની


મુંબઈ : અમદાવાદમાં રહેનારા રથિન શાહને આજે લગ્નપ્રસંગે તેની દુલ્હન જોરદાર સરપ્રાઇઝ આપવાની છે. તેની બ્રાઇડે તેમની પાંચ વર્ષની પ્રેમગાથાની મહત્ત્વની ઇવેન્ટ્સને સાંકળતી મેંદી મુકાવી છે.

જનરલી છોકરીઓનાં લગ્નની મેંદીમાં નવવધૂ, વરરાજા, ઢોલ, શરણાઈ, મોર, કમળ જેવી ડિઝાઇનો મૂકવામાં આવે છે; પણ એમબીએ થયેલી માન્યતાએ પોતાની હથેળીમાં ચીઝ કેક, સમાન શોખ, ફેવરિટ ક્વોટ, ફૂડ-જોઇન્ટનું નામ, કેક્ટ્સની જોડી જેવી અનયુઝઅલ ડિઝાઇન કરાવી છે. આ આઇડિયા કઈ રીતે આવ્યો? એના જવાબમાં કોકા કોલા કંપનીમાં માર્કેટિંગ હેડ તરીકે કાર્યરત માન્યતા ‘મિડ-ડે’ને કહે છે, ‘ગયા સન્ડે જ મને વિચાર આવ્યો કે હું યુઝઅલ મેંદીને બદલે કંઈ ક્રીએટિવ કરું. એ વિચાર પર વિસ્તારથી વિચાર કરતાં નક્કી કર્યું કે એમાં મારી અને રથિનની લવસ્ટોરીની જ કથા આલેખું. અમારી પ્રણયકથાના મહત્ત્વના પ્રસંગો શૉર્ટઆઉટ કર્યા અને એમાંથી મેં આઠ એલિમેન્ટ્સ સિલેક્ટ કર્યાં. પછી એને પ્રેઝન્ટ કરતાં પ્રૉપર કૅરિકેચર તૈયાર કર્યાં અને એ કૅરિકેચર મેંદી મૂકતાં બહેનને આપ્યાં.’

પ્રોફેશનલ હીના આર્ટિસ્ટ માટે પણ આ નવી વાત હતી એટલે તેમણે ત્રણ દિવસ આ ડિઝાઇનોની પ્રૅક્ટિસ કરી અને શુક્રવારે માન્યતાના હાથમાં મૂકી. એ આઠ મુખ્ય ઇવેન્ટની વાત કરતાં માન્યતા કહે છે, ‘જમણા હાથમાં સૌથી ઉપર છે ચીઝ કેક, જે અમારા બેઉની સુપર ફેવરિટ છે. અમદાવાદ કે અન્ય કોઈ પણ શહેરની બેકરી કે કૅફેમાં જ્યાં અમે સાથે ફર્યા છીએ ત્યાંની દરેક જગ્યાએ મળતી ચીઝ કેક અમે ટ્રાય કરી છે. એ જ રીતે બેઉ હથેળીની વચ્ચોવચ લખાયેલું સબવે પણ અમારું મોસ્ટ ફેવરિટ ફૂડ-જૉઇન્ટ છે. એક સબવે આઉટલેટમાં જ અમે વાત કરવાની શરૂઆત કરી હતી. સબવે અમારી ઓળખાણ પછી ફ્રેન્ડશિપ અને લવનું પણ સાક્ષી છે. એટલે જ અમે નક્કી કર્યું હતું કે ચીઝ કેક અને સબવે સૅન્ડવિચ ખૂબ ભાવતાં હોવા છતાં સાથે હોઈએ ત્યારે જ ખાવાનાં, એકબીજા વગર ખાવાનાં નહીં.’

ચીઝ કેક પછી છોકરો-છોકરીનાં બાવલાં છે જેની નીચે તેઓ પહેલી વખત મળ્યાં એ ડેટ છે. એ પછીનાં ચિત્રમાં પૉર્પકૉર્ન ખાતા-ખાતા ફુટબૉલની મૅચ તથા મૂવી જોવાનું વર્ણન કર્યું છે, કારણ કે રથિન અને માન્યતાની આ બે ફેવરિટ હૉબી છે અને ચોથી ડિઝાઇનમાં બે કેક્ટ્સ છે. માન્યતા કહે છે, ‘અમે બહુ વખત પહેલાં એક કેક્ટ્સ ખરીદ્યું હતું. એમાં બે છોડ એકબીજાને વળગીને ઊભા હતા. એ જોયું એટલે મેં રથિનને કહ્યું કે આ તું અને હું છીએ.’ એની બાજુમાં કમલેશ અને કમલી લખ્યું છે એ સમજાવતાં માન્યતા કહે છે, ‘હું કથિનને કમલેશ કહીને બહુ ચીડવું. તે મને ચીડવવા કમલી કહે અને એમ અમે એકબીજાને કમલેશ-કમલી કહેતાં એ રીતે આ કેક્ટ્સનું નામ પણ કમલેશ-કમલી પાડી દીધું.’

માન્યતા આશરા આજે લગ્નમાં રથિનને મેંદી બતાવીને સરપ્રાઇઝ આપશે.

ડાબા હાથના પહેલા ચિત્રમાં સનસેટ અને કાર છે જેનો મતલબ એમ છે કે બેઉને આખી દુનિયામાં થતા સનસેટ સાથે મળીને જોવા છે, ખૂબ ફરવું છે, નવી જગ્યાઓ એક્સ્પ્લોર કરવી છે. એ પછી ડાન્સિંગ કપલનું પિક્ચર છે. એ વિશે માન્યતા કહે છે, ‘આમ તો અમે હાઈ સ્કૂલ વખતે એક જ ટ્યુશન-ક્લાસિસમાં જતાં, પણ ક્યારેય એકબીજા સાથે વાત નહોતી કરી. પછી કૉલેજ દરમિયાન એક કૉમન ફ્રેન્ડની પાર્ટીમાં સબવેમાં મળ્યાં અને ઓળખાણ પછી ધીરે-ધીરે અમારી વચ્ચે મિત્રતા બંધાઈ. બે-ત્રણ વર્ષના ગાળામાં અમે બહુ ધમાલ કરી. બેઉ તોફાનનાં પડીકાં. આખું અમદાવાદ માથે લઈએ. એમાં સાથે રહેતાં-રહેતાં બેઉને પ્રેમ થઈ ગયો. પ્યારનો એકરાર થયો. એ પછી તે એમબીએનું ભણવા ગાંધીનગર ગયો. હું અમદાવાદ હતી. પછી હું મૅનેજમેન્ટનું ભણવા ગાંધીનગર ગઈ અને તેનું જૉબ પ્લેસમેન્ટ નવસારી તેમ જ સુરતમાં થયું. મારું ભણાઈ ગયું એ પછી મને મુંબઈમાં જૉબ મળી. તે ગાંધીનગર આવ્યો અને હું મુંબઈથી છત્તીસગઢ ગઈ. ફાઇનલી પાંચ વર્ષની સંતાકૂકડી બાદ અમે ગયા વર્ષે જૂન મહિનામાં અમદાવાદમાં ભેગાં થયાં. આટલી લાંબી લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ પછી અમે વિચાર્યું કે એકબીજા વચ્ચે કમ્પેટિબિલિટી કેળવવા લેટ્સ લર્ન સાલ્સા. અમે દર રવિવારે સાલ્સા ક્લાસમાં જતાં અને શુક્રવારે સોશ્યલમાં ડાન્સ માટે જતાં. બેઉના હેક્ટિક શેડ્યુલ છતાં આ એક ડાન્સ-ફૉર્મને કારણે બેઉને ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવાનો મોકો મળ્યો. એટલે સાલ્સા અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફૅક્ટર છે.’

નૃત્યના ચિત્ર બાદ સોશ્યલ મીડિયામાં બહુ ફેમસ થયેલા ‘નોક નોક’ જોક પણ રથિન અને માન્યતાના ફેવરિટ છે. એ જ રીતે માન્યતાએ રથિનને આપેલી પહેલી બુકનું ક્વોટ ‘ફૉર યુ અ થાઉઝન્ડ ટાઇમ્સ ઓવર’ પણ આ યુગલનું ગમતીલું સુવાક્ય છે એ પણ માન્યતાએ તેની મેંદીમાં મુકાવડાવ્યું છે. જન્માષ્ટમીએ સગાઈના બંધનમાં બંધયેલાં માન્યતા અને રથિન આજે અમદાવાદમાં લગ્નગ્રંથિથી જોડાશે.
થોડી ઑફબીટ મેંદી મુકાવાની છે એ વિશે ફૅમિલીએ કંઈ કહ્યું નહી? એના ઉત્તરમાં સુપર્બ કૉમિક-સેન્સ ધરાવતી માન્યતા કહે છે, ‘મારી ફૅમિલીને હું મેંદી મુકાવું છું એનો જ આનંદ છે. મને બહુ સાજશણગાર કે સજવું-ધજવું ગમતું નથી, પણ પરિવારજનોના આગ્રહથી સગાઈમાં પહેલી વખત મેંદી મુકાવી હતી. પછી મને થયું કે યાર, એનાથી આપણા હાથ બહુ સરસ લાગે છે એટલે લગ્નમાં પણ મેંદી મુકાવી.’ 
ગઈ કાલે રથિન અને માન્યતાના રાસગરબા હતા. જોકે માન્યતાએ ફુલ સ્લીવનાં કપડાં પહેર્યાં હતાં એટલે રથિનને તેની મેંદી કથાની જાણ ન થઈ. હવે આજે લગ્નટાણે રથિનને આ સુખદ આંચકો મળવાનો છે.

gujarat news ahmedabad gujarat gujarati mid-day