કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સહિતની 7 કોલેજમાં થયું સરપ્રાઇઝ ચેકિંગ

10 November, 2019 04:00 PM IST  |  Rajkot

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા સહિતની 7 કોલેજમાં થયું સરપ્રાઇઝ ચેકિંગ

કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા

છેલ્લા ઘણા સમયથી એજ્યુકેશનના માળખાને લઇને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લોલંલોલ ચાલતી હોવાની માહિતી મળી હતી. જેને પગલે ગાંધીનગરની ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીની ખાસ ટીમે રાજકોટમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની જામકંડોરણા ખાતે આવેલી સરદાર પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલિત બી.એડ્. કોલેજ સહિત કુલ 7 કોલેજોમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. ગાંધીનગરથી સરપ્રાઇઝ ચેકિંગથી શિક્ષણ જગતમાં હલચલ મચી ગઇ છે. મહત્વનું છે કે આ ચેકિંગનો રિપોર્ટ આવ્યા બાદ એલઆઇસીમાં જતી ટીમો કેવી લાલિયાવાડી ચલાવે છે તે વાસ્તવિકતા બહાર આવશે.


સૌરાષ્ટ્રની કુલ 7 કોલેજમાં થયું ચેકિંગ
ગાંધીનગરથી ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના બે અધિકારીઓ શુક્રવારે રાજકોટ આવ્યા હતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જોડાણ વિભાગના અધિકારીને સાથે લઇ જઇ કેબિનેટ મંત્રીની સહિત સાત કોલેજમાં ચેકિંગ હાથ ધર્યું હતું.

ભરાડ અને આર.ડી. ગાર્ડી કોલેજ સહિતની કોલેજોમાં થયું સરપ્રાઇઝ ચેકિંગ
ગાંધીનગરની ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીની ટીમે ત્રંબા ખાતે ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, આર.ડી.ગાર્ડી કોલેજ ઓફ એજ્યુકેશન, મોરબી ખાતે આવેલી આર્યતેજ બી.એડ્. કોલેજ, જામનગર ખાતે આવેલી એચ.જે.દોશી આઇટી કોલેજ, આણંદપર ખાતે આવેલી લલિતાબેન રમણીકલાલ શાહ હોમિયોપેથી કોલેજ, ડુમિયાણી ખાતે આવેલી માતુશ્રી વી.બી.મણવર બી.એડ્.કોલેજનો સમાવેશ થાય છે. 51 વર્ષથી ચાલતી આ પ્રક્રિયા બાબતે સરકાર ચાર-પાંચ વર્ષે જાહેરનામું બહાર પાડે છે, પરંતુ પ્રથમ વખત સરકાર જાણે સિન્ડિકેટ, એકેડેમિક કાઉન્સિલ અને ‌વાઇસ ચાન્સેલર પર ભરોસો ન હોય તેમ ચેકિંગ કરતા શિક્ષણ જગતમાં અનેક સવાલો ઉઠ્યા છે.

આ પણ જુઓ : બોલબાલા ટ્રસ્ટઃ 28 વર્ષથી રાજકોટની સેવા કરે છે આ સંસ્થા

જાણો, સરપ્રાઇઝ ચેકિંગ પાછળનું ખાસ કારણ
કોલેજોમાં જમીન કેટલી છે, ટ્રસ્ટની માલિકીની છે કે ભાડાની છે કે પછી ખાનગી માલિકીની, માળખાકીય સુવિધા કેવી છે, વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, શૈક્ષણિક સ્ટાફ પૂરતા પ્રમાણમાં છે કે નહીં, લાઇબ્રેરી કેવી છે, દર મહિને પુસ્તકોની ખરીદી કરાઇ છે કે નહીં, સહિત એલઆઇસીમાં જેટલા મુદ્દાઓની ચકાસણી કરવામાં આવે છે તેટલા મુદ્દાની ચકાસણી બે અધિકારીઓની ટીમે કરી હતી. આથી એલઆઇસીમાં જો પોલંપોલ ચાલ્યું હશે તો આ ટીમના રિપોર્ટ બાદ વાસ્તવિકતા બહાર આવશે.

gujarat rajkot