સુરતઃ 700 પાત્ર, 300 કલાકારો, 77 કૃતિ અને 48 કલાક સુધી ધમધમ્યું સ્ટેજ

01 April, 2019 04:42 PM IST  |  સુરત | ભાવિન રાવલ

સુરતઃ 700 પાત્ર, 300 કલાકારો, 77 કૃતિ અને 48 કલાક સુધી ધમધમ્યું સ્ટેજ

48 કલાક સુધી ભજવાઈ કૃતિઓ

આજના આ ડિજીટલ સમયમાં પણ લોકો નાટકો જોવાનું વધુ પસંદ કરે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ ગુજરાતના સુરત શહેરે પુરૂ પાડ્યું છે. સામાન્ય રીતે નાટકો ભજવાય તો કેટલાક કલાકના હોય ? તમારો જવાબ હશે 3 કલાક. અને એમાંય હવે તો ફિલ્મોની લંબાઈ પણ ઘટી રહી છે. ત્યારે સુરતમાં 3 નહી, 10 નહી, 30 નહી પરંતુ 48 કલાક સુધી નાટક ધમધમ્યું હતું અને લોકોએ 48 કલાક સુધી આ નાટકો માણ્યું પણ હતું. કલાકારોએ કરેલા અનોખા પ્રયાસમાં સંજય ગોરડિયા સહિતના કલાકારોએ હાજરી આપી હતી.ટ

48 કલાકનો અવિરત પ્રયાસ

પરંતુ ભાઈ આ તો સુરત છે. જે કરે તે નવી રીતે જ કરે. એમાંય સુરત એટલે ગુજરાતી રંગભૂમિનું હબ. ગુજરાતી રંગભૂમિની પ્રયોગશાળા. એટલે જ સતત 48 કલાક સુધી અહીં નાટકો ભજવાયા. દિવસ હતો 26 માર્ચનો, એટલે કે વિશ્વ રંગભૂમિ દિવસનો આગલો દિવસ. સ્થળ હતું એલ. પી .સવાણી રોડ પર આવેલું પર્ફોમિંગ આર્ટ્સ સેન્ટર. જ્યાં વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે જાણીતા ગુજરાતી કલાકાર સંજય ગોરડિયાએ રંગહોત્ર-2નો શુભારંભ કરાવ્યો. 26 એપ્રિલે પહેલું નાટક ભજવાયું અને પડદો ખુલ્યો તો બંધ થયો છેક 28 એપ્રિલે રાત્રે 12 વાગે એટલે કે 48 કલાક બાદ. દિવસ બદલાયો, રાત પડી, મધરાત થઈ પરંતુ સ્ટેજ પરના પર્ફોમન્સ ન અટક્યા.

સતત બીજી સિઝન થઈ સફળ

27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવા માટે ખાસ સુરતની પર્ફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિયેશન નામની સંસ્થા દ્વારા રંગહોત્રનું આયોજન કરાયું હતું. આ વિશે વાત કરતા સંસ્થાના વાઈસ પ્રેસિડેન્ટ પંકજ પાઠકજી કહે છે કે જાન્યુઆરી 2017માં અમે આ એસોયિસેશન શરૂ કર્યું અને માર્ચ 2017માં રંગહોત્રની પહેલી સિઝન યોજી. પહેલી જ સિઝનમાં અમે સતત 24 કલાક સુધી કોઈ પણ બ્રેક લીધા વિના નાટકો ભજવ્યા, જેને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હતું, તો સુરત મહાનગરપાલિકા સહિત દર્શકોનો પણ અદભૂત પ્રતિસાદ મળ્યો. એટલે અમે ત્યારે જ નક્કી કર્યું કે હવે બમણું કરશું. પરિણામે યોજાયું રંગહોત્ર-2 એટલે કે 48 કલાક સુધી કોઈ જ બ્રેક વિના એક બાદ એક સતત નાટકો ભજવાતા રહ્યા.

સ્વયંશિસ્તનું બન્યું ઉદાહરણ

ન તો બે નાટક વચ્ચે કોઈ બ્રેક, ન તો કલાકારોને આરામ કરવાનો બ્રેક, ન તો ઓડિયન્સને સીટ સુધી પહોંચવાનો બ્રેક. સ્થિતિ એવી કે દર્શકો જ્યારે આવે ત્યારે પણ નાટક ચાલતું હોય, અને જ્યાર ત્યારે પણ સ્ટેજ પર ભજવણી ચાલતી હોય. એટલે દર્શકોને ચાલુ નાટકે જ થિયેટરમાં બેસાડવા પડે. પંકજ પાઠકજીના કહેવા પ્રમાણે રંગહોત્ર 2માં કુલ 77 જેટલી નાની મોટી કૃતિ ભજવાઈ છે, જેમાં 300 કલાકારોએ જુદા જુદા 700 પાત્ર ભજવ્યા. એટલે કલાકારોને પણ દાદ આપવી પડે કે અવિરત એક્ટિંગ કરવાની સાથે તેમણે જુદા જુદા પાત્રોને જાળવ્યા.

એકલવીરોએ દીપાવ્યું 'રંગહોત્ર-2'

રંગહોત્ર 2ની થીમ રખાઈ હતી 'ગુજરાતના નાથ'. એટલે જેમના થકી ગુજરાત ઉજ્જવળ છે, જાણીતું છે. તેવા ગુજરાતી સાહિત્યકારોની કૃતિઓ ભજવાઈ. જેમાં મોનોએક્ટિંગ, સ્કીટથી લઈ એકાંકી સામેલ હતા. સાથે જ ગુજરાતી સંગીત ખાસ કરીને રંગભૂમિના ગીતો પણ રજૂ થયા. આ રંગહોત્રની ખાસ વાત એ હતી કે જુદી જુદી કમિટીમાં રહેલા લોકોએ પોતે જાતે જ જવાબદારી સમજીને થાક્યા વિના આરામ કર્યા વિના કામ કર્યું હતું. કેટલાક વીરલાઓ એવા પણ હતા, જેના ટેકાથી જ રંગહોત્ર 2 સફળ થયું. જેમ કે અર્ચા સોમૈયા નામની યુવતીએ એક જ સતત 48 કલાક સુધી મેકઅપની જવાબદારી સંભાળી હતી.

આ પણ વાંચોઃ Happy Birthday:10 વર્ષે પણ વિક્રમ ઠાકોરનો જલવો છે અકબંધ 

કુલ 77 કૃતિમાંથી 72 જેટલી કૃતિના કલાકારોને અર્ચાએ એકલા જ મેકઅપ કર્યો. અર્ચા વિશે પંકજ પાઠક કહે છે, 'તમે સમજો તો બેક સ્ટેજ, લાઈટ, વ્યવસ્થા સહિતની કમિટીમાં 4-5 લોકો હતા. જે ક્યારેક આરામ કરે તો ટીમના બીજા લોકો કામ કરે. પરંતુ અર્ચાએ થાક્યા વગર, ઉંઘ્યા વગર મેક અપ કર્યો.' રંગહોત્ર 2ને સમાજના અગ્રણીઓની સાથે સાથે સુરત મહાનગરપાલિકાએ પણ સપોર્ટ કર્યો છે. પંકજ પાઠકજી કહ્યું કે સુરત મહાનગરપાલિકાએ સતત બીજા વર્ષે અમે 48 કલાક માટે ઓડિટોરિયમ ફ્રીમાં વાપરવા આપ્યું હતું. જેથી રંગભૂમિ માટેનો આ યજ્ઞ પૂર્ણ થઈ શકે. જો કે કલાકારોના હૈયામાં છે કે જે આ ઓડિટોરિયમની ફી ઘટે તો સુરતમાં ખાસ કરીને આ સુવિધાયુક્ત ઓડિટોરિયમમાં વધુ નાટકો ભજવાઈ શકે.

surat gujarat