સુરત રેલવે સ્ટેશન બનશે પહેલું વર્લ્ડક્લાસ સ્ટેશન, આવી હશે સુવિધાઓ

31 March, 2019 12:25 PM IST  |  સુરત

સુરત રેલવે સ્ટેશન બનશે પહેલું વર્લ્ડક્લાસ સ્ટેશન, આવી હશે સુવિધાઓ

સુરતનું રેલવે સ્ટેશન બનશે ટ્રાન્સપોર્ટ હબ

સુરતીલાલાઓ માટે સારા સમાચાર આવ્યા છે. સુરત રેલવે સ્ટેશન હવે વર્લ્ડ ક્લાસ કક્ષાનું સ્ટેશન બનવા જઈ રહ્યું છે. અત્યાર સુધી ડાયમંડ હબ અને ટેક્સટાઈલ હબ ગણાતા સુરતની ઓળખ હવે તેનું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન પણ બનશે. જેને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ નામ આવામાં આવ્યું છે. આ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, રેલવે તંત્ર અને રાજ્ય પરિવહન મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યા છે.

આવું હશે સુરતનું સુંદર સ્ટેશન

સુરતના વર્લ્ડ ક્લાસ સ્ટેશનમાં રેલવેની સાથે અન્ય જોડાણ પણ હશે. આ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબમાં મેટ્રો સ્ટેશન, BRTS અને લોકલ બસ સ્ટેન્ડ પણ હશે. જેથી રેલવે સ્ટેશને આવતા તમામ મુસાફરો શહેરમાં જવા માટે બધા જ કનેક્શન અહીં જ મળશે.

આ ઉપરાંત આ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનમાં મુસાફરોના મનોરંજન માટેની સુવિધાઓ અને રહેવા માટેની હોટેલ પણ બનશે. તેમ જ રેલવે સ્ટેશનને જોડતા બ્રિજનું પણ નિર્માણ કરાશે. આ જ રેલવે સ્ટેશન પર કર્મશિયલ બિલ્ડિંગ પણ બનશે. એટલે કે મુસાફરોને એક જ જગ્યાએ તમામ સુવિધાઓ મળી રહેશે.

આ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનના પ્રોજેક્ટ માટે 5.07 લાખ ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી. જો કે હવે આ જગ્યા વધારીને 8.40 લાખ ચોરસ મીટર કરવામાં આવી છે. સાથે જ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયરની સુવિધા અને પાર્કિંગની સુવિધા મળે તેનું પણ આયોજન કરાયું છે.

સાથે જ સુરતનું મુખ્ય રેલવે સ્ટેશન ઉધના રેલવે સ્ટેશન સુધી લંબાશે. આ માટેની તૈયારી પણ રેલવે તંત્ર દ્વારા શરૂ કરી દેવાઈ છે. નવી તમામ સુવિધાઓ ઉમેરી શકાય તે માટે ગ્રાઉન્ડ લેવલ પર વિસ્તાર વધારાશે.

આ પણ વાંચોઃ બિહારઃસુરત આવતી ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતર્યા

આ પ્રોજેક્ટ માટે પહેલીવાર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સ્થાનિક તંત્રએ સાથે મળીને જમીન સંપાદન કર્યું છે. જેને કારણે પ્રોજેક્ટનો ખર્ચ ઘટ્યો છે. અગાઉ આ ખર્ચ 1008 કરોડ થવાનો અંદાજ હતો, જો કે હવે તે 895 કરોડ અંદાજાયો છે.

surat gujarat news