સુરત હવે થશે વધુ સુરક્ષિત, શહેર પોલીસનો છે આ પ્લાન

28 August, 2019 10:52 AM IST  |  સુરત

સુરત હવે થશે વધુ સુરક્ષિત, શહેર પોલીસનો છે આ પ્લાન

સુરત પોલીસનો લોગો

ડાયમંડ નગરી સુરતની સુરક્ષામાં વધારો થવા જઈ રહ્યો છે. સુરત પોલીસે આગામી પાંચ વર્ષમાં પોલીસની ક્ષમતા વધારવાો નિર્ણય કર્યો છે. સુરત પોલીસે પોતાના સ્ટાફમાં 10 હજાર પોલીસ કર્મચારીઓના સમાવેશનો નિર્ણય કર્યો છે. હાલ સુરત પોલીસમાં માત્ર 3,800 કર્મચારીઓ છે. આગામી પાંચ વર્ષમાં સુરત પોલીસમાં નવી ભરતી કરાશે. છેલ્લા 20 વર્ષમાં સુરત શહેરની વસ્તીમાં ત્રણ ગણો વધારો થયો છે. જો કે તેના પ્રમાણમાં પોલીસની ક્ષમતા વધી નથી. અમદાવાદ શહેરમાં હાલ 1 લાખની વસ્તી સામે માત્ર 176 પોલીસ કર્મચારીઓ કાર્યરત છે. જ્યારે સુરતમાં એક લાખની વસ્તી સામે માત્ર 60 પોલીસ કર્મચારીઓ છે. એટલે જ સુરત પોલીસની ક્ષમતા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડ પ્રમાણે 2001માં સુરત શહેરની વસ્તી 24 લાખ હતી. 2006માં શહેરની હદ વિસ્તરતા વસ્તી વધીને 20 લાખ થઈ ચૂકી છે. 2011માં શહેરની વસ્તીનો આંક 45 લાખે પહોંચ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે આગામી સમયમાં શહેરની વસ્તી 64 લાખને આંબી શકે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં સુરત પોલીસ કમિશરન સતીશ શર્માએ કહ્યું,'વસ્તી વધારાની સરખામણીમાં પોલીસની ક્ષમતા જોઈએ તેટલી નથી વધી. ઉલટાની ઘણી જગ્યાઓ ખાલી છે.' ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે સુરત પોલીસમાં મંજૂર થયેલી 5,500 જગ્યાઓ સામે 1,700 જગ્યા ખાલી છે. સતીશ શર્માનું કહેવું છે કે,'શહેર પોલીસ પાસેથી જરૂરિયાત અંગેની માહિતી મગાઈ છે, અમે ડિટેઈલ્ડ પ્લાન બનાવી રહ્યા છીએ. અમે દર વર્ષે કેટલીક ભરતી કરીશું. અમારું આયોજન 10 હજાર નવી ભરતી કરવાનું છે.'

આ પણ વાંચોઃ ગુજરાતના 23 આઇલૅન્ડ – બેટને પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે

આ સાથે જ ગૃહ વિભાગે શહેરમાં ગોડાદરા અને વેસુમાં બે નવા પોલીસ સ્ટેશન ખોલવા પણ મંજૂરી આપી દીધી છે. આ પહેલા શહેર પોલીસને વેદ રોડ અને પાલમાં પોલીસ સ્ટેશન ખોલવા મંજૂરી મળી હતી. જો કે શહેર પોલીસે ગોડાદરા અને વેસુમાં માગ કરી હતી.

 

surat gujarat news