સુરત પોલીસે દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની માતાને આપી જૉબ

17 May, 2019 08:13 AM IST  |  સુરત

સુરત પોલીસે દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની માતાને આપી જૉબ

દુષ્કર્મનો ભોગ બની હોય એવી યુવતીને વળતરના ભાગરૂપે સહાય કરવામાં આવી હોય એવું અનેક વખત બન્યું છે, પણ સહાયની ભાવના સાથે અને સમાજ વચ્ચે નવેસરથી સન્માનનીય સ્થાન મળે એવી લાગણી સાથે પ‌રિવારના સભ્યને વળતર આપવામાં આવ્યું હોય એવું દેશમાં સૌપ્રથમ વાર સુરતમાં બન્યું છે. સુરતના પોલીસ કમ‌િશનર સતીશ શર્માએ થોડા સમય પહેલાં દુષ્કર્મનો ભોગ બનેલી પાંચ વર્ષની સૃષ્ટિની મમ્મી કુસુમ ચૌહાણને (બન્ને નામ બદલાવ્યાં છે) ટ્રાફિક-વૉર્ડનની જૉબ ઑફર કરી, જે કુસુમબહેને સ્વીકારી. બાળકીના પરિવારજનો પરથી આ ઘટનાની અસર ભૂંસાઈ જાય અને પોતે જ ન્યાયના રક્ષક બનીને દેશની સેવા કરે એવી ભાવના સાથે સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું હતું કે આવું કરવાથી સ્વાભાવિક રીતે તેમના મનમાં પણ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે હકારાત્મકતા આવશે જે ખૂબ જરૂરી પણ છે. કુસુમબહેનનું એજ્યુકેશન ઓછું હોવાને કારણે અને તેમણે પોલીસ-ડિપાર્ટમેન્ટની કોઈ ટ્રેઇન‌િંગ લીધી ન હોવાને લીધે તેમને ટ્રાફિક-વૉર્ડનની જવાબદારી ઑફર થઈ છે.

આ પણ વાંચોઃ સુરતઃ કાચા હીરાની કિંમત વધતા નાના ઉદ્યોગકારો બેહાલ

ઘટના શું હતી?

સવા મહિના પહેલાં સૃષ્ટિ ગુમ થઈ ગઈ હતી અને બે દિવસ પછી તે ઘવાયેલી હાલતમાં રેલવે-ટ્રૅક પરથી મળી હતી. તેની સાથે દુષ્કર્મ થયાનું મેડિકલ ચેકઅપમાં જાહેર થયા પછી સૃિષ્ટ‌ને તાત્કાલિક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને એ પછી તેને દિલ્હી એઇમ્સમાં મોકલવામાં આવી હતી. ટ્રીટમેન્ટ માટે દિલ્હી ગયેલી સૃિષ્ટ‌ની તબિયત જોવા સુરતના પોલીસ-અધિકારીઓ પણ ત્રણ વખત ગયા હતા.

surat gujarat news