સુરતમાં ફરી સ્કૂલ નજીક લાગી આગ, 250 વિદ્યાર્થીઓનો બચાવ

25 June, 2019 05:01 PM IST  |  સુરત

સુરતમાં ફરી સ્કૂલ નજીક લાગી આગ, 250 વિદ્યાર્થીઓનો બચાવ

જ્ઞાનગંગાની બાજુમાં લાગી હતી આગ

હજી તો સુરતના તક્ષશિલા આર્કેડમાં ચાલતા ટ્યુશન ક્લાસિસમાં આગની ઘટના જૂની નથી થઈ, ત્યાં જ વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરમાં જ એક સ્કૂલ નજીક આગ લાગવાની ઘટના બની અને ફરી એકવાર માસૂમ બાળકોનો જીવ જોખમમાં મૂકાઈ ગયો. ઘટના સુરતના ભટોળ વિસ્તારની છે. જ્યાં જ્ઞાન ગંગા વિદ્યાલયની બાજુમાં આવેલી ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાની નજીક લાગેલી આગને કારણે દોડધામ મચી હતી. જો કે સદનસીબે તમામ 250 બાળકોનો બચાવ થયો છે.

નહોતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા

ચોંકાવનારી વાત એ છે કે સ્કૂલમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા ન હતી. તંત્રએ આ બનાવ બાદ સ્કૂલને સીલ મારી દીધું છે. ઉલ્લેખનીય છે કે તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ બાદ આખા રાજ્યમાં તંત્ર દ્વાર ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ઠેક ઠેકાણે ઈમારતો સીલ કરાઈ હતી, તેમ છતાંય સુરતમાં જ આ સ્કૂલ ફાયર સેફ્ટી વગર ચાલતી હતી. જેને કારણે તંત્ર સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

ગેરકાયદે ચાલતી હતી સ્કૂલ

સુરતમાં લાગેલી આ આગની ઘટનાની વાત કરીએ તો સ્કૂલ પણ ગેરકાયદે ચાલતી હોવાની ચર્ચા છે. જે શાળામાં આગ લાગી તે સ્કૂલ આઝાદ નગર રોડ ખાતે આવેલા બાલ ક્રિષ્ના કોમ્પલેક્સના પ્રથમ માળે ચાલતી હતી. સ્કૂલ જે જગ્યાએ છે તે ઓદ્યોગિત વિસ્તાર છે, આ વિસ્તારમાં શાળાને પરવાગનગી જ કેવી રીતે મળી શકે ?ટ

તક્ષશિલાની ઘટનાને એક મહિનો

ઉલ્લેખનીય છે કે સુરતના તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગની દુર્ઘટનાને હજી સોમવારે જ એક મહિનો પૂરો થયો છે. આ ઘટનામાં 22 વિદ્યાર્થીઓએ આગને કારણે જીવ ગુમાવ્યો હતો. જેના એક મહિના બાદ ફરી આવી જ ઘટના સામે આવતા હવે લોકો ચોંકી ઉઠ્યા છે. ઘટના બાદ મીડિયા સાથે વાત કરતા સુરતના મેયર જગદીશ પટેલે કહ્યું કે, "જ્ઞાનગંગા સ્કૂલમાં આગ લાગી હતી તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યા છે. આ ઘટનામાં તપાસ બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે. સાવચેતીના તમામ પગલાં લેવાનું ચાલું છે. તંત્ર તેમજ મહાનગર પાલિકા તરફથી પગલાં લેવામાં આવી રહ્યા છે. જો આ સ્કૂલ ગેરકાયદે હશે તો તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે."

આ પણ વાંચોઃ તક્ષશિલા અગ્નિકાંડ: વેપારીઓએ શાંતિયજ્ઞ કરી ભારે હૈયે દુકાનો ખોલી

CMOએ લીધી નોંધ

મળતી માહિતી પ્રમાણે આ આગ પ્લાસ્ટીકના કોથળી અને ફ્લેક્સ બેનર બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. જેની બાજુમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં સ્કૂલ ચાલતીી હતી. આ આખીય ઘટના મામલે હવે બુધવારે ડીઈઓની ટીમ તપાસ કરશે. સાથે જ ઘટનાની સીએમઓએ પણ નોંધ લીધી છે.

surat gujarat news