સુરત-મુંબઈ યાત્રાનું ક્રૂઝીફિકેશનઃ ઓવરનાઇટ જર્ની, ​સિંગલ-ડબલ બેડરૂમ

17 November, 2019 08:12 AM IST  |  Surat | Tejash Modi

સુરત-મુંબઈ યાત્રાનું ક્રૂઝીફિકેશનઃ ઓવરનાઇટ જર્ની, ​સિંગલ-ડબલ બેડરૂમ

સુરત-મુંબઈ ક્રૂઝ થઈ શરૂ

પ્રવાસનની દૃષ્ટિએ ગુજરાત સૌથી મહત્ત્વનું રાજ્ય છે. ફરવા માટેનાં સ્થળો ઉપરાંત ગુજરાતના ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારાનો ઉપયોગ દરિયાઈ પ્રવાસ માટે કરવાનું આયોજન છેલ્લાં અનેક વર્ષોથી ચાલી રહ્યું છે. ભરૂચથી ભાવનગર વચ્ચેની રો રો ફેરી આમ તો પ્રવાસીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે શરૂ કરવામાં આવી હતી. હવે સુરત-મુંબઈ અને દીવ-મુંબઈ વચ્ચે પૅસેન્જર ક્રૂઝ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી છે, જેમાં સુરતથી મુંબઈ વચ્ચે પૅસેન્જર ક્રૂઝ ફેરી સર્વિસની શરૂઆત કરવામાં આવી છે. પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે મુંબઈની એસએસઆર મરીન સર્વિસને હજીરાથી બાંદરા વચ્ચે પૅસેન્જર ક્રૂઝ ફેરી સર્વિસને મંજૂરી આપી છે. એના ભાગરૂપે શુક્રવારે હજીરાથી બાંદરા-વરલી સી-લિન્ક સુધીની ક્રૂઝ સર્વિસનું ફ્લૅગ-ઑફ કરવામાં આવ્યું હતું, જેમાં ૫૦ પ્રવાસીઓએ મુસાફરી કરી હતી.
સુરતના હજીરા પોર્ટના એસ્સાર પોર્ટ પરથી શુક્રવારે એસએસઆર મરીન સર્વિસનું ક્રૂઝ રવાના કરવામાં આવ્યું હતું. એસએસઆર મરીન સર્વિસના સીઈઓ સંજીવ અગ્રવાલનું કહેવું છે કે સુરત-મુંબઈની પ્રથમ ફેરી સર્વિસમાં કંપની સાથે જોડાયેલા તેમ જ આ પ્રોજેક્ટને સાકાર કરનારા ૫૦ જણને પ્રથમ ફેરીની મુસાફરીનો લાભ આપવામાં આવ્યો છે. આ ફેરીની પ્રવાસીઓ માટેની સર્વિસની શરૂઆત આગામી અઠવાડિયાથી કરવામાં આવશે. આવતા ગુરુવારથી મુંબઈના બાંદરા-વરલી સી-લિન્કથી સુરતના હજીરાના એસ્સાર ટર્મિનલ માટે પ્રસ્થાન કરશે, જે બીજા દિવસે શુક્રવારે સવારે ૯ વાગ્યે હજીરા પહોંચશે અને એ જ દિવસે એટલે કે શુક્રવારે ફરી સાંજે પાંચ વાગ્યે હજીરા એસ્સાર પોર્ટથી મુંબઈ રવાના થશે જે શનિવારે સવારે બાંદરા-વરલી સી-લિન્ક પહોંચશે. ક્રૂઝમાં મુસાફરી કરનારા પુખ્ત વયના મુસાફરો માટે ફેરીનો ચાર્જ ૫૦૦૦ રૂપિયા, જ્યારે બાળકો માટે ૪૦૦૦ રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે. ક્રૂઝમાં સિંગલ અને ડબલ બેડની ૨૦ રૂમ છે, જેમાં તમામ પ્રકારની આધુનિક સુવિધા મુસાફરોને આપવામાં આવશે. ક્રૂઝ કલાકદીઠ ૧૪થી ૧૫ કિલોમીટરનું અંતર કાપશે. 

એસ્સાર પોર્ટના એમડી અને સીઈઓ રાજીવ અગ્રવાલે ફેરી સર્વિસ વિશે નિવેદન આપતાં જણાવ્યું હતું કે એસ્સારે માત્ર ૮ મહિનાના રેકૉર્ડબ્રેક સમયમાં આ ટર્મિનલ તૈયાર કર્યું છે. જો મુંબઈ-સુરત ક્રૂઝ ફેરીને સફળતા મળશે તો આગામી દિવસોમાં સુરત-ભાવનગર ફેરી સર્વિસ પણ શરૂ કરવાનું આયોજન છે. હાલમાં ભરૂચથી ભાવનગર જનારા સુરતીઓની સંખ્યા વધારે છે જેથી ૧૦ કલાકનો પ્રવાસ સાડાત્રણ કલાકમાં પાર પડશે. ઇકૉનૉમિકલ અને લૉજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે. દરિયાઈ માર્ગે સુરતથી મુંબઈ વચ્ચે ૨૪૦ કિલોમીટરનું અંતર છે. હાલમાં અઠવાડિયામાં એક વાર આ ફેરી સર્વિસનો લાભ મુસાફરોને આપવામાં આવશે અને જો આગામી દિવસોમાં બુકિંગ વધશે તો ફેરી-સર્વિસમાં વધારો કરવામાં આવશે.

આ પણ જુઓઃ Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

સુરતીઓ માટે શનિવાર બેસ્ટ
ફેરી સર્વિસનો ફાયદો સુરતીઓ ખૂબ ઉઠાવશે એમાં કોઈ પ્રશ્ન નથી, પરતું જે દિવસ નક્કી થયો છે એ સુરતીઓ માટે સાનુકૂળ નથી. શુક્રવારે ધંધા-રોજગાર અને શૈક્ષણિક કાર્ય ચાલુ હોય છે જેથી એનો મહત્તમ લાભ લઈ શકાય એમ નથી, પરતું જો શનિવારે સાંજે સુરતથી ક્રૂઝ રવાના થાય તો સુરતીઓ માટે એકદમ યોગ્ય સમય છે, કારણ કે ક્રૂઝ શનિવારે સુરતથી રવાના થઈને રવિવારે સવારે મુંબઈ પહોંચશે. રવિવારે મુંબઈ ફરીને સાંજે ટ્રેન કે બસ મારફત સુરત આવી શકાય છે.

surat mumbai gujarat