સુરતમાં વતન તરફ જતા લોકો અને ‍પોલીસ વચ્ચે ઘર્ષણઃ પથ્થમારો કરાયો

31 March, 2020 03:02 PM IST  |  Surat | Agencies

સુરતમાં વતન તરફ જતા લોકો અને ‍પોલીસ વચ્ચે ઘર્ષણઃ પથ્થમારો કરાયો

શાંતિ માટે લાલ આંખ :સુરતમાં ઘર્ષણ પછી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રેપિડ એક્શન ફૉર્સને તહેનાત કરી દેવામાં આવી છે. તસવીર : પી.ટી.આઈ.

સરકારના લૉકડાઉનના આદેશ બાદ વતન તરફ ફરી રહેલા આવા લોકોને અટકાવવા જતાં શહેર પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. ભારે ટોળાં દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસે બાદમાં સ્થિતિને થાળે પાડવા બળપ્રયોગ કરવાની સાથે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ અને અશ્રુ સેલ છોડવાની ફરજ પડી હોવાની માહિતી સામે આવી હતી. આજ સવારથી પોલીસ અને આરએએફ દ્વારા ફ્લૅગ માર્ચ કરવામાં આવી હતી. હાલ સંપૂર્ણ પરિસ્થિત‌િ કાબૂમાં છે.

પાંડેસરાના ગણેશનગરસ્થિત વડોદગામ ખાતેથી પરપ્રાંતીયનો મોટો સમૂહ સમી સાંજે વતન તરફ રવાના થઈ રહ્યો હતો. એક તરફ દેશભરમાં કોરોના વાઇરસના કારણે લૉકડાઉન છે ત્યાં બીજી તરફ લૉકડાઉનની સ્થિતિ વચ્ચે પોતાના વતન તરફ હિજરત કરી રહેલા લોકોને અટકાવવા સરકારે સ્પષ્ટ નિર્દેશ રાજ્યની પોલીસને આપ્યા છે, જેના અનુસંધાને પાંડેસરા પોલીસની પીસીઆર વૅન પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ વતન તરફ ફરી રહેલા પરપ્રાંતીયોના આ સમૂહને અટકાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં કોઈ માનવા તૈયાર ન થયું અને પોલીસે નાછૂટકે સામાન્ય બળપ્રયોગ કરતાં મામલો બીચક્યો હતો. જોતજોતામાં ભારે લોકટોળું ઘટનાસ્થળે થઈ જતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. જ્યાં ટોળા દ્વારા પીસીઆરને ઘેરી લેતા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. જોકે પોલીસના મોટા કાફલા પર ટોળા દ્વારા ભારે પથ્થરમારો શરૂ કરી દેવાતાં માહોલ તંગ બની ગયો હતો એટલું જ નહીં, બે જેટલી પીસીઆર વૅનને ઘેરી એના પર પણ ભારે પથ્થરમારો કરાયો હતો.

gujarat surat coronavirus covid19