સુરતની લાડી અને મેક્સિકન વરે કર્યાં ઇકો-ફ્રેન્ડ્લી લગ્ન

30 November, 2019 09:42 AM IST  |  Surat | Tejash Modi

સુરતની લાડી અને મેક્સિકન વરે કર્યાં ઇકો-ફ્રેન્ડ્લી લગ્ન

કપલે કર્યા ઈકો-ફ્રેન્ડલી રીતથી લગ્ન

સુરત શહેરમાં અનોખાં લગ્ન થવાનાં છે જેમાં સુરતી દુલ્હન અને મેક્સિકન દુલ્હો છે. બન્ને દેશના આ યુગલે પર્યાવરણની જાળવણી માટે ઇકો-ફ્રેન્ડ્લી લગ્ન કર્યાં છે. ભારત-અમેરિકા જ નહીં, વિશ્વભરમાં જે પર્યાવરણની કફોડી સ્થિતિ સર્જાઈ રહી છે એનાથી ચિંતિત થઈ આ યુગલ લોકોને પોતાનાં લગ્નના માધ્યમથી પર્યાવરણની સાચવણીનો સંદેશ આપી રહ્યું છે. લગ્નમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક, ફટાકડા, બૅન્ડ, ડીજે, ઑર્કેસ્ટા, કંકોત્રી, પશુના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુરતની ઝીલ દેસાઈનાં લગ્ન મેક્સિકોના રહેવાસી ગીલેરમા કબરેરા જોડે થયાં છે. સતત વિશ્વમાં વધી રહેલી પર્યાવરણની પરિસ્થિતિથી ચિંતિત પણ છે. આ જ કારણ છે કે યુગલે પોતાનાં લગ્ન પૂર્ણતઃ ઇકો-ફ્રેન્ડ્લી રીતે યોજ્યાં છે
ગીલેરમાએ કેબરેરા કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઝીલે ઇન્ટરનૅશનલ સ્ટડી બિઝનેસનો કોર્સ કર્યો છે. ત્યાર બાદ ચાર વર્ષ સુધી બન્ને વચ્ચે કોઈ કૉન્ટૅક્ટ નહોતો. જોકે થોડા મહિના પહેલાં બન્નેનો ફરી સંપર્ક થતાં ફરી ડેટિંગ શરૂ કર્યું હતું. આજે લગ્નગ્રંથિથી જોડાયાં છે. બન્નેનાં લગ્નની ખાસિયત છે કે તેમનાં લગ્નમાં અમેરિકા, યુકે, મેક્સિકો, મલેશિયા, ફિલિપીન્સ, કૅનેડા, સ્પેન, તુર્કી સહિત ૧૫ દેશોમાંથી મહેમાન આવ્યા છે. આ તમામ મહેમાનોને તેમણે ઇકો-ફ્રેન્ડ્લી લગ્નના માધ્યમથી પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો.
ઝીલ દેસાઈએ જણાવ્યું કે અમેરિકા હોય કે ભારત વિશ્વનો દરેક દેશ પર્યાવરણ સામે લડી રહ્યો છે ત્યારે લોકોને પર્યાવરણ અંગે જાગૃત કરવા લગ્નને સંપૂર્ણપણે પર્યાવરણલક્ષી કરવામાં આવી રહ્યાં છે, જેના માટે ૧૪ પૉઇન્ટ તૈયાર કરવામાં આવ્યા. એમાં ડિજિટલ કંકોત્રીથી લઈ લગ્નમાં વધેલું ભોજન ફૂડ એટીએમમાં મૂકવામાં આવશે. ભેટમાં મળેલી વસ્તુઓ NGOને આપવામાં આવશે. લગ્નમંડપ માટીનાં માટલાં અને કુલડી વડે સજાવવામાં આવ્યો છે. લગ્નમાં કોઈ પણ પશુ- પ્રાણીનો ઉપયોગ કરવામાં નહીં આવે. વરરાજા ઘોડી પર લગ્નમાં નથી આવ્યા સાથે ફટાકડા ફોડવામાં નથી આવ્યા. WHO અનુસાર જે સાઉન્ડ નિર્ધારિત કરવામાં આવ્યો છે એ જ પ્રમાણે લગ્નમાં સાઉન્ડ વગાડવામાં આવ્યો છે. સાથે જ સિંગલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોસંબીની છાલની કાતરી, ફૂલ-ઝાડનાં પાંદડાં વગેરે કુદરતી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો રીસાઇકલ્ડ યુઝ કરવા માટે આપવામાં આવશે.
ગીલેરમાએ જણાવ્યું હતું કે વિશ્વભરના લોકો માટે ગ્લોબલ વૉર્મિંગ ખતરો બની ગયું છે. તેથી અમે પર્યાવરણ બચાવવાના મેસેજ માટે ગ્રીન વેડિંગનું આયોજન કર્યું હતું. અમે લોકોને જાગૃત કરવા માગીએ છીએ અને એ જ કારણ છે કે અમે ઇકો-ફ્રેન્ડ્લી લગ્ન કર્યાં છે જે આવનારા દિવસમાં લોકો માટે પ્રેરણારૂપ બનશે.

gujarat surat