સુરત ફિશ માર્કેટના નામ પાછળ મોટો વિવાદ, પીએમ મોદીના નામે રાખ્યું નામ

25 August, 2026 03:53 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

Surat Fish Market Controversy: સુરતમાં રુપિયા ૩.૯૦ કરોડના ખર્ચે બનેલા નવા જથ્થાબંધ મરચંટ ફિશ માર્કેટને `શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ માછલી બજાર` નામ આપવા અંગે વિવાદ ઉભો થયો છે; એસોસિએશનના પ્રમુખે નામકરણનો બચાવ કર્યો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ગુજરાત (Gujarat) ના સુરત (Surat)માં સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનની ઔપચારિક મંજૂરી વિના એક નવનિર્મિત જથ્થાબંધ મરચંટ ફિશ માર્કેટનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નામે રાખવામાં આવતાં મોટો વિવાદ ઊભો થયો છે. નાનપુરા (Nanpura) વિસ્તારના લક્કડકોટ (Lakkadkot) ખાતે આવેલી આ સુવિધાના પ્રવેશદ્વાર પર પ્રધાનમંત્રીના ફોટોગ્રાફ સાથે "શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ" (Shree Narendra Modi Wholesale Fish Market) લખેલું એક મોટું બેનર લગાવવામાં આવ્યું હતું. આ પગલાથી સ્થાનિક વેપારીઓના એક વર્ગમાં ભારે વિરોધ જોવા મળ્યો છે અને પાલિકાની નામકરણ પ્રક્રિયા સામે પણ સવાલો ઊભા થયા છે.

પ્રધાનમંત્રીના નામે માર્કેટનું નામ રાખવા અંગે વેપારીઓ બે ભાગમાં વહેંચાયા

આ હોર્ડિંગ લગાવ્યા બાદ તુરંત જ કેટલાક માછલીના વેપારીઓએ વિરોધ (Surat Fish Market Controversy) નોંધાવ્યો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામને નોન-વેજિટેરિયન કોમર્શિયલ સેન્ટર સાથે જોડવાની યોગ્યતા સામે સવાલો ઉઠાવ્યા હતા. અગ્રણી માછલી વેપારી સુરેન્દ્ર લશ્કરીએ આ સાઇનબોર્ડનો વિરોધ કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ચુસ્ત શાકાહારી છે અને તેમણે ક્યારેય સી-ફૂડનું સેવન કર્યું નથી. લશ્કરીએ દલીલ કરી હતી કે ફિશ માર્કેટ સાથે તેમનું નામ જોડવું અયોગ્ય છે અને તેના બદલે આ સંકુલનું નામ સ્થાનિક કહાર માછી સમાજના નામે રાખવું જોઈએ, જેઓ ઐતિહાસિક રીતે આ પ્રદેશના માછીમારી વેપાર સાથે જોડાયેલા છે.

બીજી તરફ, આ બોર્ડ લગાવનાર ધ સુરત ફિશ મરચન્ટ એસોસિએશન (Surat Fish Merchant Association) એ પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ જણાવ્યું હતું કે, મત્સ્ય ઉદ્યોગ માટેની કેન્દ્રીય કલ્યાણકારી યોજનાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે એસોસિએશને આ આંતરિક ઠરાવ પસાર કર્યો હતો. નવસારીવાલાએ ઉમેર્યું કે આ આધુનિક માર્કેટના નિર્માણ માટે કેન્દ્રીય યોજના દ્વારા નોંધપાત્ર નાણાકીય સહાય મળી છે અને આ સુવિધા હજારો કામદારોને રોજીરોટી પૂરી પાડે છે.

પાલિકાએ સત્તાવાર ઠરાવનો અભાવ હોવાનું જણાવ્યું

વધતા વિવાદ અંગે સ્પષ્ટતા કરતા સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) એ જણાવ્યું છે કે આ પાલિકાની મિલકતનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે રાખવા માટે કોઈ સત્તાવાર ઠરાવ પસાર કરવામાં આવ્યો નથી. પાલિકાના સેન્ટ્રલ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર. ડી. ગંજાવાલાએ જણાવ્યું હતું કે એસોસિએશને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ઝોન સત્તાવાળાઓને લેખિત પ્રસ્તાવ સુપ્રત કર્યો હતો, પરંતુ તેની સત્તાવાર મંજૂરીની પ્રક્રિયા હજુ બાકી છે.

ગંજાવાલાએ પુષ્ટિ કરી હતી કે, પાલિકાના અધિકારીઓએ આ અનધિકૃત બોર્ડ અંગે વેપારીઓને જાણ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની મધ્યસ્થતા બાદ, સત્તાવાર પ્રસ્તાવ વહીવટી પ્રક્રિયા હેઠળ છે ત્યાં સુધી એસોસિએશને આ વિવાદાસ્પદ બોર્ડ સ્વેચ્છાએ હટાવી લેવાની મૌખિક ખાતરી આપી છે.

પ્રોજેક્ટનું ફંડિંગ અને માર્કેટનું માળખું

સુરતમાં જથ્થાબંધ માછલીના વેપારને વ્યવસ્થિત બનાવવા માટે બનાવવામાં આવેલા આ નવનિર્મિત સંકુલમાં ૮૦ મોટા હોલસેલ સ્ટોલ બનાવવામાં આવ્યા છે. પાલિકાની વિગતો અનુસાર, આ પ્રોજેક્ટ કુલ રુપિયા ૯ કરોડથી રુપિયા ૧૦ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. કેન્દ્ર સરકારે `પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના` (Pradhan Mantri Matsya Sampada Yojana - PMMSY) હેઠળ બાંધકામ માટે રુપિયા ૩ કરોડની ગ્રાન્ટ આપી હતી, જ્યારે બાકીનો ખર્ચ સુરત મહાનગરપાલિકા દ્વારા ભોગવવામાં આવ્યો હતો.

નામકરણની વિનંતી અંગે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભા દ્વારા આખરી નિર્ણય ન લેવાય ત્યાં સુધી, પાલિકાના રેકોર્ડમાં આ સુવિધાનું સત્તાવાર નામ યથાવત રહેશે.

surat narendra modi gujarat gujarat news viral videos