સુરતમાં સ્કૂલ ખુલતા જ શાળામાં આગનો બનાવ, ફાયરના સાધનો લાગ્યા કામ

10 June, 2019 11:57 AM IST  |  સુરત

સુરતમાં સ્કૂલ ખુલતા જ શાળામાં આગનો બનાવ, ફાયરના સાધનો લાગ્યા કામ

સુરતમાં તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગે 20 બાળકોનો ભોગ લીધો. ટ્યુશનલ ક્લાસિસમાં લાગેલી આગમાં 20 માસૂમ બાળકો મૃત્યુ પામ્ય. કેટલાક બાળકો જીવતા આગમાં ભૂંજાયા તો કેટલાક જીવ બચાવવા માટે ચોથા માળેથી કૂદીને મોતને ભેટ્યા. જો કે આ દુર્ઘટના બાદ તંત્ર ઉંઘમાંથી જાગ્યુ, અને રાતોરાત રાજ્યના તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરી દેવાયા. ફાયર સેફ્ટી ન હોય તેવી સ્કૂલો અને ઈમારતોને રાતોરાત તાળાં લાગી ગયા. ગેરકાયદે બાંધકામ ધરાવતી સ્કૂલોનું બાંધકામ તોડી પડાયું.

જો કે આટલા મહત્વના પગલાં છતાંય સ્કૂલ ખુલવાની સાથે જ એક દુર્ઘટના બની. સુરતમાં જ સ્કૂલ ખૂલવાના દિવસે શાળામાં આગ લાગવાની ઘટના સામે આવી. સુરતમાં વધુ એક આગની ઘટનાથી આખા રાજ્યમાં ચકચાર મચી છે. જો કે આ વખતે તંત્રએ લીધેલા પગલાં કામ લાગ્યા. ફાયર સેફ્ટીના સાધનો ઉપયોગમાં આવ્યા.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલી રાયચંદ દીપચંદ સ્કૂલમાં આગ લાગી હતી. સ્કૂલના શૈક્ષણિક સત્રનો પહેલો જ દિવસ હતો, ત્યારે સ્કૂલની મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી. વિદ્યાર્થીઓ શાળાના ગેટથી અંદર જઈ જ રહ્યા હતા ત્યારે શોર્ટ સર્કિટ થઈ. સદભાગ્યે સ્કૂલની બહાર ઉભેલા સ્કૂલ રિક્ષા ચાલક દીપભાઈએ આ ઘટના જોઈ. અને તાત્કાલિક સ્કૂલના પટાવાળાને જાણ કરી. સ્કૂલના પટાવાળાએ ફાયરબોટલથી મીટર પેટી પર સ્પ્રે કરીને સમય સર આગ બુઝાવી લીધી.

આ આખી ઘટનામાં સૂઝબૂઝના કારણે મોટી દુર્ઘટના ટાળી શકાઈ. અને સારી વાત એ છે કે તંત્રના આકરા પગલાં બાદ સ્કૂલ દ્વારા પણ ફાયરસેફ્ટીના સાધનો વસાવાયા. જે તાકીદના સમયે કામ પણ લાગ્યા. રિક્ષા ચાલક અને પટાવાળાની સમય સૂચકતા અને ફાયરના સાધનો ચલાવવાની ટ્રેનિંગને કારણે મોટી ઘટના બનતા અટકી ગઈ હતી

ઉલ્લેખનીય છે કે, રાજ્યની તમામ શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે, ત્યારે સુરતના તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની ઘટના બાદ શહેરની તમામ શાળાઓને ફાયર સેફ્ટીના સાધનો મૂકવા અને તેના ઉપયોગ કરવા અંગે તાકીદ કરવામાં આવી હતી.

surat gujarat news