સુરત આગ: જાનના જોખમે બાળકોને બચાવવા પ્રયત્ન કરતો રહ્યો કેતન

26 May, 2019 07:32 AM IST  |  સુરત | રશ્મિન શાહ

સુરત આગ: જાનના જોખમે બાળકોને બચાવવા પ્રયત્ન કરતો રહ્યો કેતન

1 ફૂટની જગ્યા પર ચાલી 2 બાળકીઓનો જીવ બચાવ્યો કેતન જોરવાડિયાએ

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ નામના બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે બીજા બધાની જેમ દૂરથી આગને જોતા રહેવાને બદલે કે સોશ્યલ મીડિયા પર વિડિયો શૅર કરવાને બદલે જીવના જોખમે પાઇપના આધારે બિલ્ડિંગના થર્ડ ફ્લોર સુધી ચડી જનારા કેતન જોરવાડિયાનું સન્માન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે એ માટે શહેરના અગિયાર હજાર સુરતીઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરશે.

કેતન જોરવાડિયાએ પોતાની પરવા કર્યા વિના બે દીકરીઓનો જીવ બચાવ્યો હતો અને બિલ્ડિંગના પાછળના ભાગથી નીચે ઊતરવા માટે તેણે સાતથી આઠ વિદ્યાર્થીઓને મદદ કરી હતી. બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે કેતન ત્યાંથી પસાર થતો હતો. તેનું ઘર પાસે જ હોવાથી તક્ષશિલા આર્કેડ પાસેથી તેણે દરરોજ પસાર થવાનું બનતું પણ શુક્રવારે આગ દેખાતા તે રોકાઈ ગયો. પાંચમી મિનિટે તેને અણસાર આવી ગયો કે ઘટના મોટું વિકરાળ રૂપ લેશે. કેતને કહ્યું હતું, ‘બાઇક બાજુમાં પાર્ક કરીને હું બિલ્ડિંગની પાછળના ભાગમાં ગયો. સીડીની વ્યવસ્થા કરીને મેં ત્યાં સીડી મૂકી અને એ જગ્યાએથી જેટલા વિદ્યાર્થીઓને ઉતારી શકાય એટલાને ઉતાર્યા અને પછી હું આગળની બાજુએ ગયો. ત્યાં જોયું તો સ્ટુડન્ટ્સ બધા બારીમાંથી બહાર આવીને લટકતા હતા, પણ નીચે ઊતરવાની જે જગ્યા હોય એ જગ્યા સુધી તેમનાથી પહોંચાતું નહોતું.’

કેતને પાઇપ પકડીને ઉપર ચડવાનું શરૂ કર્યું. કેતન કહે છે, ‘એ સમયે બધા મને રોકાઈ જવા રાડો પાડતા હતા, પણ મને મારા કરતાં ઉપરથી અવાજ કરતી દીકરીઓની વધારે ચિંતા હતી.’ કેતન થર્ડ ફ્લોર સુધી પહોંચી ગયો. ત્યાં જઈને તેણે એક ફુટ પહોળી પાળી પર ઊભા રહીને એક દીકરીને લેવાની કોશિશ કરી, પણ તેનો હાથ છટકી ગયો અને દીકરી નીચે પડી. એ પછી તે દસેક ફુટ જેટલું જમણી બાજુએ ચાલીને તેણે બીજી બે દીકરીઓને ઉપરથી નીચે લીધી. કેતનનું કહેવું છે કે એ સમયે બૅલૅન્સ રાખવું બહુ અઘરું હતું. ધુમાડો શ્વાસમાં પણ જવા માંડ્યો હતો અને મુંઝારો શરૂ થઈ ગયો હતો.’

આ પણ વાંચો: સેવા ભાવને કારણે જનતાએ આપણને ફરી સ્વીકાર્યાઃનરેન્દ્ર મોદી

બે દીકરીને નીચે ઉતારીને કેતન નીચે આવ્યો. એ સમયે ફાયર-બ્રિગેડ આવી ગઈ હતી એટલે કેતનને એમ કે હવે એ બધાનો જીવ બચાવી લેશે, પણ ફાયર-બ્રિગેડ પાસે અધૂરી સગવડો હતી એટલે એને મોડું થયું અને મરણાંક વધી ગયો. જોકે કેતનની બહાદુરી સૌકોઈના ધ્યાનમાં આવી અને સુરતની સામાજિક સંસ્થાઓએ સંયુક્તપણે નિર્ણય લીધો કે કેતને દેખાડેલી બહાદુરી માટે તેનું રાજ્ય સ્તરે સન્માન થવું જોઈએ જેની માટે હવે સરકારમાં લેખિત અને મૌખિક એમ બન્ને રીતે રજૂઆત કરવામાં આવશે.

surat news