સુરતમાં પીવાના પાણીના કૂલરમાં મળી અનાજમાં નાખવાની સેલ્ફોસની પડીકી

11 April, 2025 09:15 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

બે જણ અસ્વસ્થ, સાવચેતીના ભાગરૂપે ૧૧૮ રત્ન-કલાકારો હૉસ્પિટલાઇઝ : ચાર શકમંદની અટક

પ્રતીકાત્મક તસવીર

ડાયમન્ડ સિટી સુરતમાં આવેલી અનભ જેમ્સમાં બુધવારે પીવાના પાણીના કૂલરમાં કોઈકે અનાજમાં નાખવાની સેલ્ફોસની પડીકી ભેળવતાં બે જણની તબિયત બગડી હતી અને એને પગલે સાવચેતીના ભાગરૂપે ૧૧૮ રત્ન-કલાકારોને હૉસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. સુરત પોલીસે આ કેસની તપાસ હાથ ધરીને ગઈ કાલે ચાર શકમંદોને ઝડપી લઈને પૂછપરછ શરૂ કરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનભ જેમ્સ ડાયમન્ડ ફૅક્ટરીમાં બુધવારે કૂલરમાંથી પાણી પીધા બાદ બે રત્ન-કલાકારોને શ્વાસ લેવામાં તેમ જ પેટમાં તકલીફ થતાં તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ એક રત્ન-કલાકારને પાણી પીધા બાદ એનો સ્વાદ અલગ જણાતાં તેમ જ એમાં ગંધ આવતાં તેણે મૅનેજરને ફરિયાદ કરી હતી. આ ઘટનાની તપાસ કરતાં પાણીના કૂલરમાંથી અનાજમાં નાખવાની સેલ્ફોસની તૂટેલી પડીકી મળી આવી હતી. જે લોકોએ કૂલરમાંથી પાણી પીધું હતું એ પૈકીના બે જણના પેટમાં ચૂંક આવવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ થતાં સાવચેતીના ભાગરૂપે કારખાનામાં કામ કરતા અને કૂલરમાંથી જેમણે પાણી પીધું હતું તે તમામ રત્ન-કલાકારોને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.

surat gujarat gujarat news news health tips