૧૧ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યાના કેસમાં આરોપીને ફાંસીની સજા

29 March, 2023 11:28 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સુરત જિલ્લાની બારડોલી કોર્ટનો ચુકાદો : ગુનામાં સાથ આપનારા અન્ય આરોપીને જિંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

દક્ષિણ ગુજરાતમાં આવેલા સુરત જિલ્લાના જોળવા ખાતે ૧૧ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરવાના કેસમાં બારડોલી કોર્ટના ઍડિશનલ સેસન્સ જજ બસંતકુમાર ગોલાણીએ આરોપી દયાચંદ અને કાલુરામને દોષિત ઠેરવીને દયાચંદને ફાંસીની સજા અને કાલુરામને જિંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા ફરમાવી છે.  સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલા જોળવામાં ૨૦૨૨ની ૨૦ ફેબ્રુઆરીના રોજ અપાર્ટમેન્ટમાં રહેતા એક દંપતીની ૧૧ વર્ષની દીકરીને દયાચંદ નામનો શખ્સ ઘર પાસેથી ક્યાંક લઈ ગયો હતો. સાંજે દંપતી ઘરે આવ્યું ત્યારે દીકરી જોવા ન મળતાં તેની શોધખોળ કરી હતી. જે બિ​​​​લ્ડિંગમાં તેઓ રહેતાં હતાં એ બિ​​​​લ્ડિંગની રૂમોમાં તપાસ કરતાં એક રૂમમાંથી લોહીલુહાણ હાલતમાં દીકરી મળી આવી હતી. તેને સારવાર માટે તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં પોલીસે દયાચંદ પટેલ અને તેને મદદ કરનાર કાલુરામની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. પ​બ્લિક પ્રોસિક્યુટર નયન સુખડવાલાએ કહ્યું હતું કે ‘આ કેસમાં બારડોલી કોર્ટના એડિશનલ સેસન્સ જજ બસંતકુમાર ગોલાણીએ આરોપી દયાચંદને ફાંસીની સજા અને કાલુરામને જિંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા કરી છે.’

gujarat news ahmedabad Gujarat Crime Crime News sexual crime surat