સુરતમાં થયેલ આગની ઘટનામાં ક્લાસીસ સંચાલકની ધરપકડ, બિલ્ડર ફરાર

25 May, 2019 10:29 AM IST  |  સુરત

સુરતમાં થયેલ આગની ઘટનામાં ક્લાસીસ સંચાલકની ધરપકડ, બિલ્ડર ફરાર

File Photo

સુરતમાં બનેલી દર્દનાક ઘટના બાદ આખું ગુજરાત અત્યારે સદમામાં છે. શહેરના તક્ષશિલા આર્કેટમાં શુક્રવારે લાગેલી ભયાનક આગમાં કુલ 21થી વધુ ભળથું થઇ ગયા છે. ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચે ટ્યુશન ક્લાસીસના સંચાલક, બિલ્ડર સહીત ત્રણ લોકો સામે ફરીયાદ દાખલ કરીને ધરપકડના વોરંટ ઇશ્યું કર્યા છે. જેને પગલે ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણીની પોલીસે ધપકડ કરી લીધી છે. જ્યારે અન્યમાં બિલ્ડર હજુ ફરાર છે.


જીવ બચાવવા વિર્ધાર્થીઓએ લગાવી ચોથા માળેથી છલાંગ

સુરતમાં બનેલી દર્દનાક આગની ઘટનામાં 30થી વધુ લોકો માટે બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. પરિણામે વિર્ધાર્થીઓ પોતાની જાન બચાવવા માટે બીજા માળે કલાસીસમાંથી ટોપ ફ્લોર તરફ ભાગ્યા હતા. એટલામાં આગની જ્વાળાઓ છેક ટેરેસ સુધી પહોંચી ગઇ હતી. જેને પગલે કેટલાક વિદ્યાર્થીઓએ તો જીવ બચાવવા માટે ચોથા માળેથી છલાંગ મારી દીધી હતી. તેમાંથી કેટલાકે જીવ ગુમાવ્યો હતો તો કેટલાકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

 

ક્લાસીસના સંચાલક, બિલ્ડર સહીત 3 લોકો સામે હત્યાનો ગુનો નોંધાયો

મળી રહેલી માહિતી પ્રમાણે તક્ષશિલા કોમ્પ્લેક્ષના બિલ્ડર હરસુખ વેકરિયા અને તેના પાર્ટનર જિજ્ઞેશ સવજી તથા ક્લાસીસના સંચાલક ભાર્ગવ બુટાણી સામે સુરત ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ગુનો નોંધાયો છે. જેમાં પોલીસે સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી લીધી છે.

 

બિલ્ડરે ત્રીજો અને ચોથો માળ ગેરકાયદેસર બનાવ્યો

મળતી માહિતી મુજબ બિલ્ડર હરસુખ વેકરિયા અને તેમનો પાર્ટનર જિજ્ઞેશ સવજી પાગદાર જેમણે તક્ષશિલા બિલ્ડિંગમાં ત્રીજો અને ચોથો માળ ગેરકાયદે ચણી દીધો હતો અને ફાયર સેફ્ટીનાં સાધનો જ ન હતાં તેમની સામે પોલીસે આઇપીસી 304 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

 

કોચિંગ સંચાલક ભાર્ગવની સુરત પોલીસે કરી ધરપકડ

ભાર્ગવ બુટાણી ફાયર સેફ્ટીનાં સાધનો ન હોવા છતાં તમામ નીતિનિયમોને નેવે મૂકી ક્લાસ ચલાવતો હતો. તેની સામે પણ આઇપીસી 304 હેઠળ ગુનો દાખલ કરાયો છે. જોકે સુરત ક્રાઇમ બ્રાન્ચે ભાર્ગવની ધરપકડ કરી લીધી છે.

 

ફાયર બ્રિગેડ ઘટના સ્થળે મોડી પહોંચ્યાનો આરોપ
ઘટના સ્થળેથી રૂબરૂ જોનારા લોકોનું કહેવું છે કે ઘટનાના 30 મીનીટ બાદ ફાયર ફાયટરો આવ્યા હતા. તો બીજી તરફ સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે ફાયર સેફ્ટી સાધનો વગર અને બી.યુ.સી. મજુરી મળ્યા વગર કઇ રીતે આ કોમ્પ્લેક્ષ ચાલુ થઇ શકે. અત્યારે તમામ પ્રશ્નમાં ફાયર ઓફિસર અને ડિપાર્ટમેન્ટ શંકાના ઘેરામાં છે. તો નજરે જોનારાનું કહેવું છે કે ફાયરની ગાડીમાં હાઇડ્રોલીક સીડી કે જાળ પણ ન હતી.

 

આગની જ્વાળાઓ બહાર નીકળવા માટે હવા-ઉજાસની કોઇ જગ્યા ન હતી
ઘટના બાદ ફાયર ફાયટરોએ પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળ‌વવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ મહત્વની વાત એ હતી કે તક્ષશિલા કોમ્પલેક્ષમાં આગની જ્વાળાઓને બહાર નીકળતા માટે હવા-ઊજાસની કોઈ જગ્યા ન હતી. જેના કારણે લોકો ગૂંગળામણ અને આગની ઝપેટમાં આવી જતા મોત થયા હતા. ચીફ ફાયર ઓફિસર પરિકે જણાવ્યું કે, 16 મૃતદેહોને અમે બળેલી હાલતમાં બહાર કાઢ્યા હતા.


આ ઘટના બાદ રાજ્યમાં તમામ ક્લાસીસ પર રોક લગાવી દેવામાં આવી
સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે ટ્યુશન ક્લાસીસ પર રોક લગાવી દેવાઈ હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાને ટ્વિટ કરીને આ ઘટના માટે દુ:ખ વ્યક્ત કર્યું હતું.