સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર માટે મૃતદેહોના વેઇટિંગનો વિડિયો થયો વાઇરલ

06 April, 2021 11:57 AM IST  |  Surat | Shailesh Nayak

આઠથી વધુ મૃતદેહનો અગ્નિસંસ્કાર માટે વારો આવે એની રાહ જોતા મૃતકના સ્વજનો બેસી રહ્યા: સુરતમાં છેલ્લા ૧૧ દિવસમાં ૪૫ દરદીનાં મૃત્યુ થયાં, કોરોનાના ૬૨૩૯ કેસ નોંધાયા

મૃતદેહનો અગ્નિસંસ્કાર માટે વારો આવે એની રાહ જોતા મૃતકના સ્વજનો

ગુજરાતમાં કોરોનાએ મુશ્કેલી સર્જી છે ત્યારે ગઈ કાલે સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર માટે મૃતદેહોના વેઇટિંગનો વિડિયો વાઇરલ થયો હતો. લગભગ આઠથી વધુ મૃતદેહનો અગ્નિસંસ્કાર માટે વારો આવે એની રાહ જોતા મૃતકના સ્વજનો બેસી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુરતમાં છેલ્લા ૧૧ દિવસમાં ૪૫ દરદીનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. સુરતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે ગઈ કાલે સુરતના અશ્વિનીકુમાર સ્મશાનગૃહનો વિડિયો વાઇરલ થયો હતો. આ વિડિયોમાં લાઇનસર મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે મુકાયેલા જોવા મળ્યા હતા. હૈયું હચમચાવી દેતા આ વિડિયોમાં પરિવારજનો અંતિમ સંસ્કાર માટે તેમના સ્વજનના મૃતદેહને લઈને આ સ્મશાનગૃહમાં આવ્યા હતા, પરંતુ તેમને અંતિમ સંસ્કાર માટે વેઇટિંગમાં બેસવું પડે એટલી ડેડ-બૉડી અહીં આવી હતી અને લાઇનસર મૃતદેહ સ્મશાનમાં મૂકવામાં આવ્યા હોવાનું વિડિયોમાં જોવા મળી રહ્યું છે.

ગુજરાત સરકારે જાહેર કરેલી વિગતો મુજબ ગઈ કાલે સુરત શહેરમાં ૭ દરદીનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે સુરત શહેરમાં કોરોનાના ૬૦૩ અને સુરત જિલ્લામાં કોરોનાના ૧૮૫ કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈ કાલ સુધીમાં છેલ્લા ૧૧ દિવસમાં સુરત શહેરમાં કોરોનાથી ૪૫ દરદીનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે સુરત શહેરમાં ૬૨૩૯ કેસ નોંધાયા હતા.

Gujarat gujarat news surat shailesh nayak