22 May, 2025 02:07 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
મમ્મી સાથે દીકરી હવે સ્વસ્થ છે અને તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અન્નનળીમાં ફસાયેલા સિક્કા એક્સ-રેમાં દેખાય છે. એન્ડોસ્કોપી કરીને બહાર કાઢેલા બે સિક્કા
સુરતમાં ૩ વર્ષની બાળકીની અન્નનળીમાં ફસાયેલા બે ચલણી સિક્કા બહાર કાઢીને સુરતની ડાયમન્ડ હૉસ્પિટલના ડૉક્ટરોની ટીમે તેને ભયમુક્ત કરી હતી. સુરતમાં ડાયમન્ડ હૉસ્પિટલના હુલામણા નામે ઓળખાતી માતુશ્રી રામુબા તેજાણી અને માતુશ્રી શાંતાબા વિડિયા હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં રવિવારે રાત્રે સાડાઆઠ વાગ્યે ત્રણ વર્ષની માનવી સરજિત રાય નામની બાળકીને દાખલ કરવામાં આવી હતી. આ બાળકી તેના ઘરે રમી રહી હતી ત્યારે રમતાં-રમતાં બે ચલણી સિક્કા ગળી ગઈ હતી. ડૉક્ટરે આ બાળદરદીનો એક્સ-રે કાઢતાં બાળકીના ગળાથી નીચે અન્નનળીમાં બે ચલણી સિક્કા ફસાઈ ગયેલા જોવા મળ્યા હતા અને એને કારણે બાળકીને સતત દુખાવો થતો હતો. અન્નનળી બ્લૉક થઈ જવાથી કશું જ ગળાથી નીચે ઊતરી શકે એમ ન હોવાથી તાત્કાલિક અન્નનળીમાંથી એક રૂપિયાનો અને બે રૂપિયાનો એમ બે ફસાયેલા સિક્કા એન્ડોસ્કોપી કરીને બહાર કાઢી લેવાયા હતા.