10 January, 2026 10:24 AM IST | Prabhas Patan | Gujarati Mid-day Correspondent
સોમનાથમાં સાધુસંતો અને સાધ્વીજીઓની પદયાત્રા યોજાઈ હતી
સોમનાથમાં શરૂ થયેલા સ્વાભિમાન પર્વમાં ગઈ કાલે ડમરુના તાલે અને હર હર મહાદેવના નાદ સાથે પહેલી વાર સાધુસંતોની પદયાત્રા યોજાઈ હતી. ગિરનાર સહિતનાં સ્થળોએથી સોમનાથ આવી પહોંચેલા સાધુસંતોએ લાઠીદાવ સહિતનાં કરતબ દર્શાવતાં લોકો અચરજ પામી ગયા હતા. સોમનાથમાં શંખચોકથી પદયાત્રા કરીને સાધુસંતો સોમનાથ મહાદેવ મંદિર પહોંચ્યા હતા અને દેવાધિદેવનાં દર્શન કર્યાં હતાં. ૭૫ જેટલા ઢોલીઓએ તાલબદ્ધ રીતે ઢોલ વગાડીને જમાવટ કરી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં શુક્રવારે વહેલી સવારે કાળજું કંપાવી દે એવી દુર્ઘટના થઈ હતી. ગોધરા પાસે એક ટ્રક રૉન્ગ-સાઇડથી પૂરઝડપે જઈ રહી હતી અને તેણે સામેથી આવતી બીજી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બન્ને ટ્રકની કૅબિનના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે અકસ્માત થયાની ગણતરીની મિનિટોમાં જ ટ્રકમાં શૉર્ટ-સર્કિટ થવાથી ભીષણ આગ ફાટી નીકળી હતી. એમાં કૅબિનમાં ફસાયેલો માણસ બહાર નીકળી શક્યો નહોતો અને જીવતો ભૂંજાયો હતો.
સવારે સાડાપાંચ વાગ્યાથી ઉપલેટા, જેતપુર સહિતના પંથકમાં ધરા ધ્રૂજી : ગુરુવારે રાતે પણ આવ્યો હતો એક આંચકો : ભૂકંપનું કેન્દ્રબિન્દુ ઉપલેટાથી ૨૬થી ૩૦ કિલોમીટર દૂર નોંધાયું
સૌરાષ્ટ્રમાં ફરી એક વાર ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રાજકોટ જિલ્લામાં ઉપલેટા, જેતપુર સહિતના પંથકમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. ઉપલેટાથી ૨૬થી ૩૦ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ નોંધાયું હતું. ગઈ કાલે સવારે સાડાપાંચ વાગ્યે એક પછી એક ભૂકંપના ૧૧ આંચકા આવતાં ગભરાટ ફેલાયો હતો અને સલામતીનાં કારણોસર જેતપુરની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી. જોકે ભૂકંપના આંચકા હળવા હોવાથી કોઈ નુકસાની કે જાનહાનિ થઈ નથી. ભૂકંપના ઉપરાઉપરી આંચકા આવતાં એની અસર ઉપલેટા ઉપરાંત રાજકોટ જિલ્લાના જેતપુર, ગોંડલ અને ધોરાજી પંથકમાં પણ અનુભવાઈ હતી. જોકે જેતપુર પંથકમાં એની અસર વર્તાતાં બાળકોની સલામતીનાં કારણોસર સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ભૂકંપના ઉપરાઉપરી આંચકા આવતાં લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે ભૂકંપના આંચકા હળવા હોવાથી કોઈ મુશ્કેલી સર્જાઈ નથી.
હિમાચલ પ્રદેશમાં શુક્રવારે ભરબપોરે એક પ્રાઇવેટ બસ ઊંડી ખાઈમાં પડી જતાં હાહાકાર મચી ગયો હતો. બસમાં કુલ ૪૫ લોકો સવાર હતા. શિમલાથી કુપવી જઈ રહેલી આ પ્રાઇવેટ બસ સિરમૌર પાસે હરિપુરધાર બજાર પાસે લગભગ પ૦ મીટર ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. કઈ રીતે બસ ખાઈમાં પલટી ખાઈને ઊંધી પડી એનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ અકસ્માત થતાં જ આસપાસના લોકો નીચેની તરફ દોડ્યા હતા અને બસમાંથી લોકોને બચાવવાની કામગીરી આરંભી હતી. આ ઘટનામાં ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકો ઘાયલ થયા હતા. ૩૩ લોકો ઘાયલ થયા છે અને એમાંથી પાંચ દરદીઓની હાલત નાજુક છે.