શાસક–સાથી પક્ષની ભાવનાથી કાર્ય કરીશું

21 December, 2022 11:08 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

શંકર ચૌધરીએ આમ જણાવ્યું, જેઓ ૧૫મી ગુજરાત વિધાનસભાના બન્યા અધ્યક્ષ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાયેલા શંકર ચૌધરીએ ગૃહમાં તેમની કામગીરી સંભાળી હતી.

અમદાવાદ : ૧૫મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ગઈ કાલે શંકર ચૌધરીની સર્વાનુમતે વરણી થયા બાદ તેમણે ગૃહના સૌ સભ્યોનો શુભકામના બદલ આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘લોકશાહી અને સંસદીય પ્રણાલીને વધુ બળવત્તર બનાવવા માટે શાસક વિપક્ષ તરીકે નહીં, પરંતુ શાસક–સાથી પક્ષની ભાવનાથી કાર્ય કરીશું. સંવાદ વિવાદમાં ન પરિણામે એ રીતે સંવાદ સાધી પ્રજાના પ્રાણ-પ્રશ્નોને વાચા આપવાની જવાબદારી માત્ર અધ્યક્ષની જ નહીં, પરંતુ ગૃહના તમામ સભ્યોની છે.’

ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની વરણી થઈ હતી. વિધાનસભા ગૃહના નેતા અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીના નામના રજૂ કરેલા પ્રસ્તાવને સંસદીય બાબતોના પ્રધાન હૃષીકેશ પટેલે સમર્થન આપ્યું હતું. સમગ્ર વિધાનસભાગૃહે આ પ્રસ્તાવને ટેકો આપતાં ૧૫મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શંકર ચૌધરીને અભિનંદન પાઠવીને વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘શંકર ચૌધરીની અધ્યક્ષ તરીકેની કામગીરીથી ગુજરાત વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ સંસદીય પ્રણાલિકાઓના સંવર્ધન માટેનો સુવર્ણકાળ બની રહેશે.’

શંકર ચૌધરીએ ગૃહમાં સૌનો આભાર માનતાં કહ્યું હતું કે ‘સભાગૃહના તમામ સભ્યોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એને હું સંપૂર્ણ ન્યાય આપવા પ્રયત્નશીલ રહીશ. ’

gujarat news gujarat election 2022 ahmedabad