મથુરામાં ચુસ્ત સુરક્ષાવ્યવસ્થા, ડ્રોનથી નજર રખાશે

06 December, 2021 08:40 AM IST  |  Mathura | Gujarati Mid-day Correspondent

આજે છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસના દિવસે મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદમાં જળાભિષેકની જાહેરાતથી માહોલ ગરમાયો છે

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની બહાર તહેનાત પોલીસ જવાનો (તસવીર : પી.ટી.આઇ.)

આજે છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસના દિવસે મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદમાં જળાભિષેકની જાહેરાતથી માહોલ ગરમાયો છે. અહીં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. મસ્જિદ અને એની આસપાસ ઉત્તર પ્રદેશ પોલીસ અને આરએએફના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. અહીં ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે.
આજે કાર્યક્રમો યોજવા માટે અખિલ ભારતીય હિન્દુ મહાસભા, શ્રીકૃષ્ણ જન્મભૂમિ નિર્માણ ન્યાસ, નારાયણી સેના તેમ જ શ્રીકૃષ્ણ મુક્તિ દળે પરવાનગી માગી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ ભગવાન શ્રીકૃષ્ણના ‘વાસ્તવિક જન્મસ્થાન’ ખાતે શ્રીકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવા માટે મંજૂરી માગી હતી કે જે સ્થાન મસ્જિદમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ નવનીત સિંહ ચહલે તેમની વિનંતીને ફગાવી દીધી હતી. 
આ સંગઠને એમ પણ જણાવ્યું હતું કે તેઓ શાહી ઈદગાહમાં ન ફક્ત મૂર્તિ સ્થાપિત કરશે, પરંતુ એ સ્થાનને પવિત્ર કરવા માટે મહાજળાભિષેક પણ કરશે. 
સોશ્યલ મીડિયા પર પણ નજર મથુરા પોલીસ સોશ્યલ મીડિયા પર પણ ખાસ નજર રાખી રહી છે. અત્યાર સુધી સોશ્યલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા બદલ આ શહેરમાં ચાર અલગ-અલગ જગ્યાએ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે. 
વાહનો પર પ્રતિબંધ 
મથુરામાં આજે સુરક્ષાના કારણસર શ્રીકૃષ્ણજન્મસ્થળ-શાહી ઈદગાહ તરફ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરક્ષા-વ્યવસ્થા બાબતે પોલીસે વહિવટી તંત્રને રૂટ ડાઇવર્ટ કરીને વાહનોના અવરજવરની વ્યવસ્થા કરી છે. અનેક જગ્યાએ બૅરિયર્સ લગાડાયાં છે.

gujarat gujarat news mathura