સૌથી વધુ વરસાદ છતાં સૌરાષ્ટ્રમાં સ્થિતિ દયનીય,૧૩૯ ડૅમમાં માત્ર ૬.૬૮ ટકા

18 June, 2019 09:22 AM IST  |  કચ્છ

સૌથી વધુ વરસાદ છતાં સૌરાષ્ટ્રમાં સ્થિતિ દયનીય,૧૩૯ ડૅમમાં માત્ર ૬.૬૮ ટકા

‘વાયુ’ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં જોવા મળી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં ૧૭ જૂન સુધી ૫૧ મિમી વરસાદ પડવાના કારણે એવું લાગી રહ્યું હતું કે મહદંશે સૌરાષ્ટ્રમાં પાણીની તંગીમાં ઘટાડો થશે, પરંતુ તાજા આંકડાઓ પ્રમાણે સૌરાષ્ટ્રના ડૅમમાં પાણીનો સ્તર ૧૦ ટકા કરતાં પણ નીચે છે.

ગુજરાતના ડૅમની સ્થિતિ જોવામાં આવે તો મધ્ય ગુજરાતમાં સૌથી વધારે પાણી છે. મધ્ય ગુજરાતમાં ૩૮.૫૮ ટકા પાણી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ૧૩.૪૬ ટકા પાણી છે. ઉત્તર ગુજરાતમાં ૧૧.૮૨ ટકા પાણીનો સ્રોત છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની સ્થિતિ ૧૦ ટકા કરતાં પણ ઓછી છે. કચ્છના ડૅમમાં ૯.૮૦ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ડૅમમાં માત્ર ૬.૬૮ ટકા જ પાણી છે.

આ પણ વાંચોઃ રાજકોટઃ ભાદર ડેમમાં પહોંચ્યાં નર્મદાના નીર, પૂજા વિધિથી કરાયું સ્વાગત

ગુજરાતમાં કુલ ૨૦૪ ડૅમ આવેલા છે, જેમાં માત્ર ૧૫.૮૩ ટકા જ પાણી બચ્યું છે. અેમાં સૌથી વધારે ડૅમ સૌરાષ્ટ્રમાં આવેલા છે. સૌરાષ્ટ્રમાં ૧૩૯ જેટલા ડૅમ છે, જેમાં મોટા ભાગના ડૅમમાં પાણી તળિયાઝાટક છે, જ્યારે અમુક ડૅમમાં નહીંવત્ પાણી છે. અેવામાં જો વરસાદ મોડો પડે તો સૌરાષ્ટ્રમાં પાણીની તંગી સર્જાઈ શકે અેવી સ્થિતિ છે.

kutch saurashtra gujarat news