વિદ્યાર્થિનીઓનો ડ્રૉપ આઉટ રેટ ઘટાડવા શાળામાં સૅનિટરી નેપકિન અપાશે

14 October, 2019 08:08 AM IST  |  ગાંધીનગર

વિદ્યાર્થિનીઓનો ડ્રૉપ આઉટ રેટ ઘટાડવા શાળામાં સૅનિટરી નેપકિન અપાશે

પ્રતિકાત્મક તસવીર

કન્યાશાળામાં દીકરીઓનો ડ્રૉપ આઉટ રેશિયો વધારે છે. અમદાવાદ જિલ્લાની સ્કૂલોમાં ૧૩ ટકા જેટલો ડ્રૉપ આઉટ રેશિયો છે, જે ખૂબ ચિંતાજનક છે. ૧૩ ટકા ડ્રૉપ આઉટ રેશિયો શા માટે છે એનાં તંત્ર દ્વારા કારણો જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનાં કારણો ચોંકાવનારાં છે. મોટા ભાગે ચારથી પાંચ ટકા દીકરીઓ ધોરણ ૮થી ૯માં જાય ત્યારે માસિકધર્મની શરૂઆત થાય છે. માસિકધર્મના કારણે દીકરીઓ ત્રણથી ચાર દિવસ સ્કૂલ જતી નથી. ક્યારેક તો કાયમી માટે માસિકધર્મ બાદ સ્કૂલ જવાનું જ ટાળે છે. ત્યારે દીકરીઓમાં જાગૃતતા આવે એ માટે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ પહેલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં અમદાવાદ જિલ્લાની ૧૬૦ સ્કૂલમાં સૅનિટરી નૅપ્કિન આપવામાં આવશે. જોકે સૅનિટરી નૅપ્કિન કોઈ ખાનગી કંપની પાસેથી લેવામાં આવશે નહીં, પરંતુ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સાબરમતી જેલ સાથે ટાઇ-અપ કરવામાં આવ્યું છે. સાબરમતી જેલની કેદી મહિલાઓ દ્વારા સૅનિટરી નૅપ્કિન બનાવવામાં આવશે, જેના કારણે રોજગારી પણ મળી રહેશે. ઉપરાંત સ્કૂલની વિદ્યાર્થિનીઓને સૅનિટરી નૅપ્કિન પણ મળી રહેશે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે સ્કૂલોમાં દીકરીઓનો ડ્રૉપ આઉટ રેશિયો ઘટાડવા માટેના અમારા પ્રયાસ છે. સ્કૂલમાંથી દીકરીઓનો ડ્રૉપ આઉટ રેશિયો વધારે છે, જેનું ઍનૅલિસિસ કરવામાં આવ્યું. ત્યાર બાદ પહેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગામડાની સ્કૂલમાં માસિકધર્મ બાદ દીકરીઓ સ્કૂલ છોડી દે છે ત્યારે દીકરીઓમાં જાગૃતતા આવે અને દીકરીઓ સૅનિટરી નૅપ્કિનનો ઉપયોગ કરી શકે એ માટે સ્કૂલોમાં એ માટેનાં મશીન લગાવીશું અને મને વિશ્વાસ છે કે આ વ્યવસ્થા ઊભી કરવાના કારણે સ્કૂલમાં દીકરીઓનો ડ્રૉપ આઉટ રેશિયો ઘટશે.

gujarat ahmedabad