સુરતનું સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયું

20 July, 2021 03:34 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

વરસાદના કારણે સણિયા હેમાદ ગામ પાસેથી પસાર થતી ખાડીમાં પાણી આવ્યું હતું. આ દરમ્યાન મુસાફરો ભરેલી એક લકઝરી બસ આ પાણીમાં બંધ થઈ જતાં મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા

સણિયા હેમાદ ગામમાં લકઝરી બસને દોરડું બાંધીને ટ્રેકટરની મદદથી પાણીની બહાર કાઢવામાં આવી હતી.

ઉપરવાસમાંથી વરસાદી પાણી આવતાં અને સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સુરતના સીમાડે આવેલું સણિયા હેમાદ ગામ ગઈ કાલે બેટમાં ફેરવાયું હતું. એટલું જ નહીં પરંતુ સુરત પાસેના કુંભારિયા અને ચલથાણ ગામમાં પણ ખાડીનાં પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું હતું.

ઉપરવાસમાંથી પાણી આવતાં તેમ જ વરસાદના કારણે સણિયા હેમાદ ગામ પાસેથી પસાર થતી ખાડીમાં પાણી આવ્યું હતું. આ દરમ્યાન મુસાફરો ભરેલી એક લકઝરી બસ આ પાણીમાં બંધ થઈ જતાં મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ મેઘરાજા કોપાયમાન : નદીઓમાં પૂર

દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે પણ અષાઢી માહોલ સાથે વરસાદ વરસ્યો હતો. કપરાડામાં બે કલાકમાં સવાબે ઇંચ વરસાદ પડ્યો હતો. એટલું જ નહીં, ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની દમણગંગા, ઔરંગા તેમ જ કોલકી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતાં નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ગઈ કાલે દક્ષિણ ગુજરાત તેમ જ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નવસારી જિલ્લાના વઘઈ પાસે આવેલો લો લેવલનો ગરગાડિયા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આશરે ૧૦ ગામોનો સંપર્ક કપાયો હતો. ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૮૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં વલસાડ જિલ્લાના કપરાડામાં સાડાચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. 

gujarat shailesh nayak