03 September, 2023 10:30 AM IST | Ahmedabad | Shailesh Nayak
સાળંગપુર હનુમાનજી મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટ્યા હતા
ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં હનુમાનદાદાના અપમાનના મુદ્દે ચાલી રહેલા વિવાદનો અંત નજીકના સમયમાં આવે એવું જણાઈ રહ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિરના સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો ઊભી થયેલી સમસ્યાના શાંતિપૂર્ણ નિવારણ માટેની દિશામાં આગળ વધી રહ્યા છે. તો બીજી તરફ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ પરંપરાના ભાગલા ન થાય તેમ જ સનાતમ ધર્મની રક્ષા માટે લીંબડીમાં નિમ્બાર્ક પીઠમાં સંત-સંમેલનમાં જૂનાગઢ, સતાધાર, અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી સાધુ-સંતો આવશે અને બેઠકમાં ચર્ચા કરી ઉકેલની દિશામાં આગળ વધશે.
સાળંગપુરમાં આવેલા હનુમાનદાદાના મંદિરના સંતો પણ ઝડપથી અને શાંતિપૂર્ણ સમસ્યાનું નિવારણ થઈ જાય એ દિશામાં કામ કરી રહ્યા છે અને સંવાદ કરવા તૈયાર થઈ રહ્યા છે. સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનદાદાના મંદિરનાં સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે વિવાદ ચાલી રહ્યો છે એનો અંત લાવવા માટે સંતોની ચર્ચા ચાલી રહી છે. આ વિવાદનો અંત સાથે બેસીને આવી શકે એ માટે સંતો બધાં પાસાંઓનો વિચાર કરી રહ્યા છે. સાધુ-સંતો સાથે બેસીને ચર્ચા કરીને વિવાદનું નિવારણ આવે એ રીતે મંદિર પ્રશાસનમાં ચર્ચા કરી રહ્યા છે. હનુમાનદાદાની વિરાટ પ્રતિમા પાસે ગઈ કાલે જે ઘટના બની છે એના મુદ્દે એફઆઇઆર પણ કરાશે.’
સાળંગપુરમાં હનુમાનદાદાને પગે લાગતા બતાવ્યાના ચિત્રથી વિવાદ છેડાયો છે. એટલે આ ઘટનાથી ચિંતિત થયેલા સાધુ-સંતોની પાંચમી તારીખે, મંગળવારે લીંબડીના નિમ્બાર્ક પીઠમાં બેઠક યોજાશે. ભીમનાથ મહાદેવ મંદિરના મહંત આશુતોષગિરિ બાપુ, દેવાચાર્ય ડૉ. સ્વામી ગૌરાંગશરણ, નડિયાદ માઇમંદિરના પીઠાધીશ્વર હરેન્દ્ર મહારાજ સહિતના સાધુ-સંતોએ હનુમાનદાદાના મુદ્દે તેમની નારાજગી વ્યક્ત કરી છે. સાધુ-સંતો એવી વાત કરી રહ્યા છે કે અહીં હનુમાનદાદાને દાસ તરીકે પ્રસ્થાપિત કર્યા છે. એટલે એનાથી સનાતમ ધર્મના સાધુ-સંતો અને હિન્દુ સમાજનું દિલ દુભાયું છે. ભારતીય સંસ્કૃતિ, હિન્દુ પરંપરાના ભાગલા ન થાય, ટુકડા ન થાય એ માટે સાધુ-સંતો ચિંતિત છે. એટલે પાંચમી સપ્ટેમ્બરે, મંગળવારે લીંબડીમાં તમામ સંપ્રદાયના સાધુ-સંતો સાથે બેસીને ચર્ચા કરી ભારતીય હિન્દુ સંસ્કૃતિ–સનાતન ધર્મનું રક્ષણ કેમ કરવું એ માટે ચર્ચા કરવા સંત-સંમેલન યોજાઈ રહ્યું છે, જેમાં દુધરેજ, જૂનાગઢ, અમદાવાદ, સતાધાર, ભીમનાથ સહિત સમગ્ર ગુજરાતમાંથી સાધુ-સંતો આવશે અને ઉકેલ લાવવા પ્રયાસ કરશે.
સંતો બાદ બીજેપીના સાંસદ રામ મોકરિયાએ ચિંતા વ્યક્ત કરીને ઉદાહરણ આપતાં મીડિયાને કહ્યું હતું કે ‘દા.ત. હું પુજારી છું અને પુજારી થઈને ભગવાનનું રૂપ ધારણ કરી લઉં તો એ વાજબી નથી. એટલે મારે પુજારી રહેવું જોઈએ. આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ એવી ભક્તોને વિનંતી કરું છું. સ્વામીનારાયણ સંપ્રદાયને વિનંતી કરું છું કે વિવાદ ન થાય અને હિન્દુ સમાજમાં ખોટા ભાગ ન પડે એ આપણા સમાજ માટે હિતાવહ છે.’