સુરતના બિલ્ડરોના મૅનેજરે નવસારીના ધામણ ગામે કરેલી સુસાઇડનો વિડિયો વાઇરલ

24 June, 2019 11:51 AM IST  |  નવસારી | રોનક જાની

સુરતના બિલ્ડરોના મૅનેજરે નવસારીના ધામણ ગામે કરેલી સુસાઇડનો વિડિયો વાઇરલ

અમૃત સોનાવણે

સુરતના બિલ્ડરોને ત્યાં મૅનેજર તરીકે નોકરી કરતા અમૃત સોનાવણેએ નવસારીના ધામણ ગામે એક મકાનમાં ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. જોકે ગળે ફાંસો ખાતાં પહેલાં તેમણે એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ કરીને પોતાની વ્યથા ઠાલવી હતી. નવસારી પોલીસને મૃતદેહ પાસેથી સુસાઇડ-નોટ મળી છે જેના આધારે તપાસ હાથ ધરી છે.

સુરતના ડિંડોલીના સોનાવણેએ નવસારીના ધામણ ગામના પાંચ પીપળા નજીક  ફાર્મહાઉસમાં ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કરતાં  ચકચાર મચી છે. ગળે ફાંસો ખાતાં પહેલાં યુવકે લખેલી સુસાઇડ-નોટ અને આપઘાતનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આ વિડિયો અને સુસાઇડ-નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અમૃત સોનાવણેએ સુસાઇડ-નોટમાં પોતાના નામ પછી તે જ્યાં કામ કરતો હતો એના ચાર માલિકનાં નામ લખ્યાં છે અને સાથે લખ્યું હતું કે મને માલિકો દ્વારા ભારે પરેશાન કરવામાં આવ્યો છે. મારી પાસે પુષ્કળ કામ કરાવ્યું છે. મારી ઈમાનદારીનો ફાયદો ઉઠાવ્યો છે. તેણે સુરત અને નવસારી જિલ્લામાં આવેલી કુલ ૨૯ જેટલી મિલકતોનાં નામ લખ્યાં છે. ત્યાર બાદ લખ્યું છે કે મેં ઈમાનદારીથી કામ કર્યું છે, પણ મારી સાથે ફ્રૉડ થયો છે. મને લાલચ આપવામાં આવી હતી કે વળતર આપીશું, પણ કાંઈ આપ્યું નથી. પગાર ૨૫,૦૦૦ અને પેટ્રોલ-ગાડી પણ મારી. એમાં ૧૨,૦૦૦ રૂપિયાનો ખર્ચ થતો હતો. ૧૩,૦૦૦ રૂપિયામાં ઘર કેવી રીતે ચલાવવું એ માટે મેં ઘણી વાર રજૂઆત કરી હતી. આ લોકોને સજા જરૂર આપજો, જેથી તેઓ બીજા સાથે આવું ન કરે.’

આ પણ વાંચો : 'વાયુની અસર': દસ લાખ કિલો કેસર કેરીને થયું નુકસાન

અમૃત સોનાવણેએ વિડિયોમાં શું કહ્યું?

‘દોસ્તો, હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. મારા શેઠોએ બહુ હેરાન-પરેશાન કર્યો છે. હું આવો નહોતો, મને આ લોકોએ આવી સ્થિતિમાં લાવી દીધો છે. મારા શેઠોને છોડશો નહીં. બધું કામ કરાવી લીધું અને તેઓએ મારી સાથે ગદ્દારી કરી છે. ૧૭-૧૮ વર્ષની મહેનત પાણીમાં જતી રહી. રાત-દિવસ મહેનત કરીને કંઈ મળ્યું નહીં. મારાં બાળકો-માતા-પિતાનું ધ્યાન રાખજો. આ મારા એકલાની નહીં, મારા આખા પરિવારની આત્મહત્યા છે. આ લોકોએ આવું કરવું જોઈતું નહોતું. માગ્યું શું હતું, લાખો-કરોડો રૂપિયા તો નહોતા માગ્યા. મારું ઘર ચલાવું એટલો પગાર માગ્યો હતો એ પણ આ લોકોએ ન આપ્યો. મને માફ કરજો. હું પત્ની, બાળકો અને માતા-પિતાની માફી માગું છું. કંટાળી ગયો હતો.’

surat navsari gujarat