બિસમાર માર્ગને લઈને ઠેર-ઠેર આંદોલન શરૂ, સુરત બાદ નવસારીમાં ચક્કાજામ

27 September, 2019 08:30 AM IST  |  સુરત

બિસમાર માર્ગને લઈને ઠેર-ઠેર આંદોલન શરૂ, સુરત બાદ નવસારીમાં ચક્કાજામ

સુરત-કડોદરા નૅશનલ હાઇવે, નવસારી અને વાંસદામાં ચક્કાજામ આંદોલન.

ચોમાસામાં રસ્તા ધોવાઈ જવા સામાન્ય બાબત છે. જોકે આ વર્ષે રાજ્યમાં સ્ટેટ અને નૅશનલ હાઇવેના ધોવાણનું પ્રમાણ વધુ રહ્યું છે. માર્ગોની પરિસ્થિતિને લઈને ત્રાસી ગયેલા લોકો આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. મુંબઈ-દિલ્હીને જોડતા મુખ્ય નૅશનલ હાઇવે બાદ નવસારીના અંતરિયાળ ભીનાર ગામે ચક્કાજામ થતાં અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરણ ગામ નજીક  ગયા રવિવારે નૅશનલ હાઇવે નંબર ૪૮ પર પડેલા મોટા ખાડાને કારણે એક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મૂળ યુપીના અને હાલ કડોદરમાં રહેતા બાઇકર ૪૪ વર્ષના સંતોષસિંહનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. હેલ્મેટ પહેરી હોવા છતાં ખાડાને કારણે બાઇક સ્લીપ થતાં તે નીચે પટકાઈ ગયો હતો અને તેના માથા પરથી પાછળથી આવતી ટ્રકનું વ્હીલ ફરી જતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું.

આ અકસ્માતને લઈને ઉશેકરાયેલા ગ્રામજનો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને મુંબઈ-દિલ્હીને જોડતા મહત્વના નૅશનલ હાઇવે ૪૮ ઉપર ચાર કલાક સુધી ચક્કાજામ કરી દીધો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી ગ્રામજનો સાથે વાટાઘાટો શરૂ કરી હતી, પરંતુ ઉશ્કરાયેલા લોકોએ જ્યાં સુધી રોડનું સમારકામ ન થાય અને જવાબદારો સામે પગલાં ન લેવાય ત્યાં સુધી રસ્તો ખુલ્લો ન કરવાની જીદ પકડી હતી. આખરે હાઇવે ઑથોરિટીના અધિકારીઓએ ૨૪ કલાકમાં રસ્તાનું સમારકામ કરવાની બાંહેધરી આપતાં મામલો થાળે પડ્યો હતો.

જોકે અકસ્માતમાં મરનાર સંતોષસિંહના સહકર્મચારી વિકાસસિંહ સુભાષસિંહ રાજપૂતની ફરિયાદના આધારે કડોદરા પોલીસે ટ્રકચાલક ઉપરાંત ખરાબ રોડ માટે જવાબદાર નૅશનલ હાઇવે ઑથોરિટીના અધિકારીઓ, કર્મચારીઓ, રોડ બનાવનાર એજન્સી અને રોડનું સમારકામ કરતી એજન્સી સામે ૩૦૪ એ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફેલાયો હતો

નવસારીના વાંસદા તાલુકામાં પણ પસાર થતા નૅશનલ હાઇવે નં. ૫૬ વાપી-શામળાજી માર્ગ અને વઘઈ-સાપુતારા માર્ગનું ધોવાણ થયા બાદ એના સમારકામ માટે સ્થાનિક તંત્ર સહિત સંબંધિત વિભાગોમાં રજૂઆત કરી સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલે પાંચ દિવસ પહેલાં ચક્કાજામની ચીમકી આપી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ફેલાયો હતો અને કાવેરી નદીના પુલ પર કૉન્ગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં લોકોએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

આ મામલે ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હાઇવે ઑથોરિટીના અધિકારીઓ પાસેથી કામકાજ અંગેના દસ્તાવેજ જેવા કે કોને-કોને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો, કૉન્ટ્રૅક્ટમાં કેવા પ્રકારનું મટીરિયલ વાપરવાનું હતું અને કેવા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ચોમાસા દરમિયાન ખાડા પૂરવા કોઈ કામગીરી કરી છે કે કેમ વગેરે વિગત મેળવ્યા બાદ કોની જવાબદારી બને છે એ નક્કી કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

- રૂપલ સોલંકી, ડી.વાય.એસ.પી. - બારડોલી ડિવિઝન સુરત

gujarat surat