ચૂંટણીનાં પાણી પહેલાં બીજેપીની પાળ : રિવરલિન્ક યોજના રદ કરી

22 May, 2022 10:15 AM IST  |  Mumbai | Shailesh Nayak

આદિવાસી બેલ્ટમાં વિવાદનું કેન્દ્ર બનેલી દમણગંગા પાર તાપી-નર્મદા રિવરલિન્ક યોજના રદ કરાઈ

રિવરલિન્ક યોજના રદ કરવાની જાહેરાત કરી રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ. તેમની સાથે ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ તથા રાજ્યના પ્રધાનો નરેશ પટેલ અને જિતુ ચૌધરી છે.


અમદાવાદ ઃ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી બેલ્ટમાં વિવાદનું કેન્દ્ર બનેલો રિવરલિન્કનો પ્રોજેક્ટ આખરે રદ કરવામાં આવ્યો છે. ગઈ કાલે સુરતમાં દમણગંગા પાર તાપી-નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી હતી. બીજી તરફ રિવરલિન્કના આંદોલનકર્તા અને કૉન્ગ્રેસના વિધાનસભ્ય અનંત પટેલે સરકારની આ જાહેરાતને ચૂંટણીલક્ષી અને લૉલીપૉપ ગણાવીને શ્વેતપત્ર બહાર નહીં પાડે તો આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે સુરતમાં દમણગંગા પાર તાપી નર્મદા રિવરલિન્ક મુદ્દે પ્રેસ કૉન્ફરન્સ કરીને કૉન્ગ્રેસનું નામ લીધા વિના કહ્યું હતું કે આ યોજના અંગે આદિવાસી ભાઈ-બહેનોમાં ઊભી કરવામાં આવેલી ગેરસમજના કારણે યોજના પ્રત્યે નારાજગી છે. આ યોજના માટે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી. ગુજરાત સરકારનો નિર્ણય છે કે આ યોજના કોઈ પણ સંજોગોમાં આગળ વધારવામાં નહીં આવે. કેન્દ્રીય સહકારિતા પ્રધાન અમિત શાહ, નિર્મલા સીતારમણ, ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યના આદિવાસી પ્રધાનો, વિધાનસભ્યો, સંસદસભ્યોની બેઠકમાં પણ આ યોજના રદ કરવા સહમતી સધાઈ છે. આમ આદિવાસી ભાઈ-બહેનોની લાગણીને માન આપીને યોજના રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રિવરલિન્કના મુદ્દે આંદોલન ચલાવી રહેલા કૉન્ગ્રેસના વિધાનસભ્ય અનંત પટેલે સરકારની આ જાહેરાતના મુદ્દે આક્ષેપ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમારું આંદોલન ચાલુ રહેશે. આ પહેલાં સી. આર. પાટીલે પણ આવી જાહેરાત કરી હતી. આ તો ઇલેક્શનલક્ષી જાહેરાત છે. ઇલેક્શનથી ડરીને આ વાત કરે છે એટલે આ લૉલીપૉપ છે. આદિવાસીઓને ગુમરાહ કરવાની વાત છે. શ્વેતપત્ર બહાર પાડશે તો જ અમારું આંદોલન અટકશે. ૨૭ મેના રોજ વાંસદામાં ૨૫ હજાર લોકોને એકઠા કરી રૅલી કાઢી આવેદનપત્ર આપવાના છીએ.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની આવી રહેલી ચૂંટણીમાં આદિવાસી બેલ્ટમાં બીજેપીને મૅક્સિમમ સીટો અંકે કરવાનો પ્લાન છે ત્યારે આદિવાસીઓને નારાજ કરવા પાલવે તેમ નહીં હોવાથી ગુજરાત સરકારે આ જાહેરાત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેમકે રિવરલિન્ક પ્રોજેક્ટના મુદ્દે આદિવાસી સમાજે ઠેર-ઠેર રૅલીઓ–ધરણાં યોજીને આંદોલન ચલાવી રહ્યા હતા. આદિવાસી સમાજ આ યોજનાના વિરોધમાં હતા જેથી ગુજરાત સરકારે આ યોજના રદ કરી છે.
ગુજરાત સરકારે રિવરલિન્ક યોજના રદ કરવાની જાહેરાત કર્યા બાદ સુરતમાં તરત જ આના માટે અભિવાદન સમારોહ પણ યોજ્યો હતો, જેમાં રાજ્યના પ્રધાનો નરેશ પટેલ અને જિતુ ચૌધરી, મુકેશ પટેલ, ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ, સંસદસભ્ય, વિધાનસભ્યો સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

gujarat politics gujarat news