Rathyatra: પહેલીવાર ટૂંકી થઈ રથયાત્રા, લંબાઈ ઘટવાનું જાણો કારણ

04 July, 2019 10:02 AM IST  |  અમદાવાદ

Rathyatra: પહેલીવાર ટૂંકી થઈ રથયાત્રા, લંબાઈ ઘટવાનું જાણો કારણ

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી ચૂક્યા છે. અમદાવાદના રસ્તાઓ પર જાણે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. લાખોની સંખ્યામાં ભક્તો પોતાના નાથને વધાવવા, પોતાના નાથની ઝલક મેળવવા માટે હાજર છે. જો કે આ વખતની રથયાત્રામાં એક મહત્વની ઘટના બની છે. 142 વર્ષના ઈતિહાસમાં સૌ પહેલીવાર રથયાત્રાની લંબાઈ ઘટી છે. જી હાં, આટલા વર્ષોના ઈતિહાસમાં પહેલીવાર રથયાત્રાની લંબાઈમાં ઘટાડો થયો છે. આ લંબાઈ ઘટવાનું કારણ પોલીસની વ્યવસ્થા છે.

અમદાવાદ પોલીસ છે કારણ

આ વખતે રથયાત્રાની લંબાઈમાં 400થી 500 મીટરનો ઘટાડો થયો છે. અમદાવાદ પોલીસનો કેટલોક કાફલો રથયાત્રામાં ન જોડાતા રથયાત્રાની લંબાઈ ઘટી છે. મળતી માહિતી પ્રમાણે ડીસીપીથી નીચલી રેન્કના પોલીસ અધિકારીઓની ગાડીઓ કાફલામાં નથી જોડાઈ જેને પરિણામે રથયાત્રાની લંબાઈ ઘટી છે. પોલીસની લગભગ 40થી 50 ગાડીઓ આ વખતે રથયાત્રામાં નથી જોડાઈ. સુરક્ષા વ્યવસ્થાના ભાગ રૂપે આ પોલીસનો કાફલો રથયાત્રાના રૂટ પર સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. જેને પરિણામે રથયાત્રાની સાથે સાથે આ ગાડીઓ નથી જોડાઈ.

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની નીકળી 142મી રથયાત્રા, જુઓ ફોટોઝ

20 હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે

ઉલ્લેખનીય છે કે રથયાત્રા દરમિયાન અમદાવાદમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. અમદાવાદ પોલીસ સહિત પેરામિલેટ્રી ફોર્સને પણ જવાબદારી સોંપવામાં આવે છે. ખુદ પોલીસ કમિશનર આ સુરક્ષામાં ધ્યાન આપે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોનથી રથયાત્રાના રૂટ પર નજર રખાઈ રહી છે. રથયાત્રામાં સુરક્ષા માટે પોલીસ કમિશનર સહિત 8 IG, DIG, 40 DCP, 103 SP, સહિત 20,125 પોલીસ કર્મચારીઓ ખડે પગે છે.

Rathyatra ahmedabad gujarat news