બે કલાક સન્નાટો

08 February, 2021 08:41 AM IST  |  Ahmedabad | hailesh Nayak

બે કલાક સન્નાટો

રાજકોટની ક્રિષ્ના ગોહેલ પંચોલી અને તેના પપ્પા હિતેશભાઈ

‘અમે ચમોલીથી થોડેક જ દૂર હતા ત્યાં અચાનક ડ્રાઇવરે બસ પાછી વાળી લીધી. ‘આગે ખતરા હૈ’ કહીને ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તરત જ બસને ટર્ન મારી દીધો. ડ્રાઇવરે બસ કેમ પાછી વાળી લીધી એ પ્રવાસીઓને તેણે તરત કહ્યું નહીં, પરંતુ થોડે દૂર ગયા પછી આખી ઘટનાની વાત કરતાં બસમાં સન્નાટો છવાઈ ગયો.’

ઉત્તરાખંડના ચમોલીમાં ગઈ કાલે ગ્લૅસિયર ફાટતાં કુદરતી આફત આવી હતી. ચમોલીના ઘટનાસ્થળથી ‘વહેંત છેટા’ જે ગુજરાતીઓ હતા તેઓ પૈકીની એક રાજકોટની ક્રિષ્ના ગોહેલ પંચોલીએ રાહતનો શ્વાસ લેતાં અને આફતમાંથી તેઓ બધા જાણે ઊગરી ગયા હોય એવી લાગણી સાથે ‘મિડ-ડે’ને આમ કહ્યું હતું.   

ઉત્તરાખંડમાં જ્યાં આફત આવી હતી એ વિસ્તાર નજીક પહોંચી ગયેલા ગુજરાત તેમ જ દેશના અન્ય વિસ્તારના ૫૦ જેટલા સહેલાણીઓ ડ્રાઇવરની સમયસૂચકતાને લીધે સલામત સ્થળે પહોંચી ગયા હતા.

રાજકોટથી પપ્પા હિતેશભાઈ સાથે ઉત્તરાખંડ ગયેલી ક્રિષ્ના ગોહેલ પંચોલીએ ‘મિડ-ડે’ સાથે ઉત્તરાખંડથી વાત કરતાં કહ્યું કે ‘અમે ચમોલી જવા નીકળ્યાં હતાં. ચમોલીથી લગભગ ૧૦ કિલોમીટર દૂર હતા અને ડ્રાઇવરે અચાનક બસને પાછી વાળી લીધી. ડ્રાઇવરે માત્ર એટલું જ કહ્યું કે ‘આગળ થોડો ખતરો છે.’ જોકે એ સમયે વાતચીત કરવાનો સમય નહોતો. ડ્રાઇવર સ્થાનિક હતો એટલે તેણે બસમાં બેઠેલા મુસાફરોની સલામતીને ધ્યાનમાં લઈને બસ દેહરાદૂન લઈ લીધી. કેમ કે એ રસ્તેથી દેહરાદૂન નજીક હતું. ઘટનાસ્થળથી થોડે દૂર ગયા બાદ જ્યારે ડ્રાઇવરે શું બન્યું છે એ ઘટનાની વાત કરી ત્યારે બસમાં બેઠેલા બધા ડરી ગયા. એ પછી ન્યુઝ દ્વારા ઘટનાની જાણ થઈ ત્યારે સિચુએશન જાણીને બધા ખૂબ ડરી ગયા હતા. દરમ્યાન બસમાં બેએક કલાક તો કોઈ કશું બોલી ‍ન શક્યું. બધા શૉક્ડ થઈ ગયા. કોણ કોની સાથે શું બોલે છે એની સમજ જ ન પડી. મને તો થયું કે કેદારનાથ જેવો પ્રલય તો નથી આવ્યોને? જોકે આ બધાં ટેન્શન વચ્ચે ડ્રાઇવર સેફ સાઇડ લઈ ગયો એટલે અમને રાહત થઈ ગઈ.’

ક્રિષ્નાએ કહ્યું કે ‘ઘણા લોકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા અને ફસાઈ ગયા હોવાના સમાચાર અમને મળ્યા છે, પણ એક રીતે કહું તો અમને ભગવાને જ બચાવ્યા. જાણે અમારી સાથે ચમત્કાર થયો અને અબે બચી ગયા. અમે ચમોલીમાં આખો દિવસ ફરવાના હતા અને હૃષીકેશમાં રોકાવાના હતા. અમારી સાથે જામનગર, અમદાવાદ તેમ જ અન્ય ગામડાંના ઘણા લોકો હતા. બસમાં અમારી સાથે ૫૦ માણસો હતા અને અમે દેહરાદૂન સલામત પહોંચી ગયા છીએ.’

gujarat ahmedabad rajkot uttarakhand