રાજકોટનું એવું પાન હાઉસ, જે પાન-મસાલાની સાથે આપે છે કેન્સરની ચેતવણી !!

01 May, 2019 08:08 PM IST  |  રાજકોટ | ભાવિન રાવલ

રાજકોટનું એવું પાન હાઉસ, જે પાન-મસાલાની સાથે આપે છે કેન્સરની ચેતવણી !!

રાજકોટનું કેન્સર પાન હાઉસ

રાજકોટ જેટલું ફેમસ તેની બપોરની 12થી 4ની ઉંઘ માટે છે, તેટલું જ ફેમસ પાન માવા માટે પણ છે. અને હવે રાજકોટમાં એક એવું પાન હાઉસ ખુલ્યુ છે, જે પાન મસાલા આપતા પહેલા ગ્રાહકોને ચેતવણી આપે છે. જો તમે રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલા આ પાન હાઉસ પર પહોંચો તો સૌથી પહેલા તો દુકાનનું નામ જ છે કેન્સર પાન હાઉસ. આ પાન હાઉસની થીમ જ એવી ડરામણી રખાઈ છે, જે તમને ગુટખા ખાવાના ગેરફાયદા દર્શાવે છે. દુકાનની અંદર દરેક જગ્યાએ હાથકડી, ખોપડીઓ લગાવીને સ્કેરી હાઉસ જેવો માહોલ ઉભો કરાયો છે.

પાન મસાલા આપતા પહેલા અપાય છે ચેતવણી

કેન્સર પાન હાઉસ હવે આખા રાજકોટમાં ફેમસ થઈ ચૂક્યુ છે. આ પાન હાઉસ ચલાવે છે મોહિત પોપટ નામના વ્યક્તિ. પોતાના આ વિચિત્ર પાન હાઉસ વિશે વાત કરતા મોહનભાઈ કહે છે કે લોકોને પાન ગુટખા ખાવાથી થતા નુક્સાનની માહિતી મળે એટલા માટે અમે આ થીમ રાખી છે. અમારી દુકાનમાં લોકો આવે તેમને પાન મસાલા કે ફાકી આપતા પહેલા ચેતવણી આપવામાં આવે છે કે આ ખાવાથી તમને કેન્સર થઈ શકે છે. તેમ છતાંય જો તે ન માને તો જ પાન મસાલા આપવામાં આવે છે.

15-20 કસ્ટમર છોડી ચૂક્યા છે આદત

મોહિત પોપટના કહેવા પ્રમાણે આમ કરવાથી તેમના 15-20 કસ્ટમર પોતાની પાન મસાલા ખાવાની આદત છોડી ચૂક્યા છે. અને મોહિતભાઈ હજી વધુ લોકો પાન મસાલા છોડે તે માટે પ્રયત્નશીલ છે. આ માટે તેમને અન્ય ઓપ્શન પણ આપવામાં આવે છે. જેમાં કેસર, રોઝ, પાઈનેપલ, ગ્રીન ગોલ્ડ, સ્ટ્રોબેરી, રાતરાણી અને નવરત્ન જેવા અવનવી ફ્લેવરના પાન આપવામાં આવે છે. મીઠી ફાકીમાં પણ મિન્ટ વિનાના મધના અલગ - અલગ ફ્લેવરના પાવડર નાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃઅહીં મળે છે ચુડેલ ચા, કંકાલ બિસ્કિટ, લોકો આરામથી આરોગે છે

500 લોકોને વ્યસન છોડાવવાનો ટાર્ગેટ

મોહિતભાઈ મૂળ ઓટો કન્સલટન્ટ છે. પરંતુ તેમના એક મિત્રના મામાને કેન્સરની બીમારી હતી. મિત્રો સાથે આ ચર્ચા દરમિયાન જ મોહિતભાઈને કંઈક કરવાનો વિચાર આવ્યો અને કેન્સર પાન હાઉસનો જન્મ થયો. મોહિત ભાઈ કહે છે કે તેમને 500 લોકોને વ્યસન છોડવવાનો ટાર્ગેટ છે. મોહિતભાઈના પરિવારમાં કોઈને કોઈ જ પ્રકારનું વ્યસન નથી. મોહિતભાઈના ગ્રાહકો પણ તેમના આ પ્રયાસને બિરદાવે છે. જો કે ખૂબ ઓછા ગ્રાહકો આ વ્યસન છોડી શકે છે.

gujarat news rajkot