પ્લીઝ, ઑક્સિજનનાં સિલિન્ડર્સ પાછાં આપો

03 May, 2021 07:36 AM IST  |  Rajkot | Rashmin Shah

આવી રિક્વેસ્ટ સાથે ગુજરાતના બોલબાલા ચૅરિટેબલ ટ્રસ્ટે પોલીસ ફરિયાદ કરી છે કે ઑક્સિજનનાં સિલિન્ડર અમને પાછાં લાવી આપો

ઑક્સિજન સિલિન્ડર્સ

અત્યારે આખા દેશમાં કોવિડ પેશન્ટ માટે ઑક્સિજનની આવશ્યકતા ઊભી થઈ છે એવા સમયે દેશની મોટા ભાગની સેવાકીય સંસ્થાઓએ ઑક્સિજન સિલિન્ડર માટે આગળ આવીને એની વ્યવસ્થા કરવાનું કામ પણ આદર્યું છે. જોકે આવું કામ કરનારી સંસ્થાઓએ તકલીફો પણ ભોગવવી પડે છે. આ તકલીફ વચ્ચે રાજકોટમાં આવેલી ગુજરાતની જાણીતી સેવાકીય સંસ્થા ‘બોલબાલા ચૅરિટેબલ ટ્રસ્ટ’એ તો છેક પોલીસ સુધી પહોંચવું પડ્યું છે. એમાં બન્યું એવું કે બોલબાલા ટ્રસ્ટે સૌરાષ્ટ્રના કોવિડ પેશન્ટને ઑક્સિજનનાં સિલિન્ડરની વ્યવસ્થા કરી આપી અને એને માટે ૭પ૦ સિલિન્ડર ખરીદ્યાં, પણ હવે એવું બન્યું છે કે એ ૭પ૦ સિલિન્ડરમાંથી માત્ર ૨૦૦ સિલિન્ડર જ પાછાં આવ્યાં છે. બોલબાલા ચૅરિટેબલ ટ્રસ્ટે નિઃસ્વાર્થભાવે અને એક પણ રૂપિયો ચાર્જ લીધા વિના ઑક્સિજન આપવાનું કામ કર્યું હતું, પણ હવેઑક્સિજન સિલિન્ડર પાછાં નહીં આવતાં સેવાનું આગળનું કામ અટકી ગયું છે. ટ્રસ્ટના પ્રેસિડન્ટ જયેશ ઉપાધ્યાય કહે છે, લોકોને જરૂર નથી હોતી તો પણ સેફર સાઇડ પર ઑક્સિજન સિલિન્ડર લઈને એનો સંઘરો કરે છે અને એ જ અમને નડે છે.

બોલબાલા ચૅરિટેબલ ટ્રસ્ટ તેમને ત્યાંથી ઑક્સિજન સિલિન્ડર લઈ ગયા હોય એવા લોકોને એક વીકથી ફોન કરે છે પણ કોઈ સિલિન્ડર પાછું આપવા નથી આવતું. જયેશભાઈ કહે છે કે આમાં અમારે બીજા લોકોને કેવી રીતે મદદ કરવી.

બોલબાલા ટ્રસ્ટે નાછૂટકે પોલીસનો સહારો લીધો છે અને જે કોઈ સંસ્થા પાસેથી સિલિન્ડર લઈ ગયું છે તેમનાં ઍડ્રેસ આપીને તેમના ઘરેથી સિલિન્ડર પાછાં આવે એને માટે ફરિયાદ લખાવી છે. જયેશભાઈ કહે છે કે અમારો હેતુ તેમને હેરાન કરવાનો નથી, પણ બીજાની સેવા આગળ વધે એવી ભાવના છે.

gujarat Rashmin Shah rajkot coronavirus covid19