24 September, 2025 07:57 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
કલ્કિ અવતાર હોવાનો દાવો કરનાર ઍન્જિનિયર રમેશચંદ્ર ફેફર (તસવીર: X)
ગુજરાતના રાજકોટમાં થોડા સમય પહેલા એક સરકારી કર્મચારીએ એવો વિચિત્ર દાવો કર્યો હતો, કે તે તરત જ સમાચારમાં અને સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું અને વાયરલ થઈ ગયા. તેમણે એવો દાવો કર્યો હતો કે તેઓ ભગવાન વિષ્ણુના 10 માં કલ્કિ અવતાર છે અને જો તેમને તેમના પગારના પૈસા નહીં ચૂકવવામાં આવશે તો રાજ્યમાં ગંભીર દુષ્કાળ પડશે. જોકે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે તેમણે અપઘાત કરી પોતાનું જીવન ટૂંકવાયું છે.
રાજકોટમાં સિંચાઈ વિભાગમાં કામ કરતાં ભૂતપૂર્વ સરકારી અધિકારી રમેશચંદ્ર ફેફરનું આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હોવાની માહિતી પોલીસે આપી હતી. અગાઉ તેઓ જ ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કી એવો જાહેરમાં દાવો કરી ચર્ચાનો વિષય બન્યા હતા અને હવે તેમના નિવાસસ્થાને જ તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. પોલીસને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આત્યંતિક પગલું ભરવા પાછળ તેમની એકલતા જવાબદાર હતી.
સિંચાઈ વિભાગના નિવૃત્ત ઍક્ઝિક્યુટિવ ઍન્જિનિયર રમેશચંદ્ર ફેફર અગાઉ ઘણીવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લીધે ચર્ચામાં રહેતા હતા. તેમણે વારંવાર દાવા કર્યા હતા કે તેઓ દૈવી અવતાર કલ્કી છે. મૃતક ઘણા વર્ષોથી એકલા રહેતા હતા, કારણ કે તેમની પત્ની અને પુત્ર વિદેશમાં રહે છે. તેમની આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી અને તેમનો કેસ હવે તપાસ હેઠળ છે, અને પોલીસ આસપાસના લોકોથી પૂછપરછ કરી રહી છે.
૨૦૧૮ માં, પોતે જ ભગવાન વિષ્ણુનો `કલ્કી` ૧૦મો અવતાર હોવાનો દાવો કર્યો હતો
આ બધુ ત્યારે શરૂ થયું જ્યારે તેઓ કામ પર લાંબા સમય સુધી ગેરહાજર હતા. જ્યારે તેમને આ બાબતે પુછવામાં આવ્યું ત્યારે તેમણે આ અંગે પત્ર લખી વિચિત્ર દાવો કર્યો હતો. સરદાર સરોવર પુનર્વસ્વત એજન્સી (SSPA) ના સિનિયર ઍન્જિનિયર રમેશચંદ્ર ફેફર તરીકે ઓળખાતા વ્યક્તિની કામથી લાંબા સમય સુધી ગેરહાજરી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, જ્યારે તેમને તેનું કારણ જણાવવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે લેખિતમાં જવાબ આપ્યો: "હું ખરેખર ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું, અને હું આવનારા દિવસોમાં તે સાબિત કરીશ." આ સાથે તેમણે તેમના પગારના બાકીના ૧૬ લાખ રૂપિયા અને ગ્રૅચ્યુઇટીમાં એટલી જ રકમની માગણી કરી હતી, અને ચેતવણી આપી હતી કે જો પૈસા જાહેર કરવામાં નહીં આવે તો રાજ્યને ગંભીર દુષ્કાળનો સામનો કરવો પડશે.