આજે સૌરાષ્ટ્ર – કચ્છ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી

04 June, 2020 08:35 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

આજે સૌરાષ્ટ્ર – કચ્છ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી

પ્રતીકાત્મક તસવીર

નિસર્ગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ ગુજરાતના ૧૭ લાખ જેટલા માછીમારો, અગરિયાઓ અને ઝીંગા ફાર્મમાં કામ કરતા કર્મચારીઓને એસએમએસ કરીને સતર્ક કરાયા હતા. ગુજરાત સરકારે વાવાઝોડાના પગલે દરિયાકાંઠાનાં ગામો માટે તકેદારીનાં પગલાં ભર્યાં હતાં અને આઠ જિલ્લાઓમાંથી ૨૫૨ સગર્ભા મહિલાઓ સહિત ૬૩,૭૯૮ નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. બીજી તરફ વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર – કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

ગુજરાતના રાહત કમિશનર હર્ષદ પટેલે કહ્યું હતું કે ‘નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગ ખાતે લેન્ડફોલ થઈ ગયું છે અને ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. જો કે ગુજરાતના સંભવિત અસરગ્રસ્ત દરિયાકાંઠાના જિલ્લાઓ ખાતે વહીવટીતંત્ર સજ્જ છે. દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રહેતા અગરિયા, માછીમાર તથા ઝીંગા ફાર્મમાં કામ કરતા ૧૭ લાખ જેટલા નાગરિકોને ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન મારફતે સતર્કતાના એસએમએસ કરવામાં આવ્યા હતા.’

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સુરત, નવસારી, ભરૂચ, ભાવનગર, આણંદ, અમરેલી, ગીર સોમનાથ અને વલસાડ જિલ્લાઓમાંથી ૬૩,૭૯૮ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. આ નાગરિકોમાં ૨૫૨ સગર્ભા મહિલાઓને પણ સલામત રીતે સલામત સ્થળે ખસેડવામાં આવી હતી.’

gujarat Gujarat Rains ahmedabad gandhinagar saurashtra