રાજ્યમાં ત્રણ દિવસ સુધી પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

17 September, 2019 10:36 AM IST  |  અમદાવાદ

રાજ્યમાં ત્રણ દિવસ સુધી પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

હજી આવશે ધોધમાર

એક તરફ રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું હોવાના અહેવાલ છે, બીજી તરફ હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. હજી બે દિવસ પહેલા જ હવામાન વિભાગે ચોમાસુ છેલ્લા તબક્કામાં હોવાનું કહ્યું હતું. જો કે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત સહિત 13 રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ ખાબકી શકે છે.

અહીં અતિભારે વરસાદની આગાહી

ત્રણ દિવસમાં ભારે વરસાદ દેશના 13 રાજ્યોને જળબંબાકાર કરી શકે છે. તો હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 50થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. આ ઉપરાંત પૂર્વ ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અંદમાન નિકોબાર અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિબાગે દર્શાવી છે.

પાંચ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

તો ગુજરાત, મધ્યપ્રદેશના પૂર્વ વિસ્તારો, આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારો, કર્ણાટકના કાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી બે દિવસ દરમિયાન મરાઠાવાડ, ગુજરાત સહિત દક્ષિણ ભારતના પાંચ રાજ્યોમાં ભારે વરસાદ વરસશે.

આ પણ વાંચોઃ વરસાદ અટકાવવા માટે કરાવ્યા દેડકા-દેડકીના ડિવોર્સ !

હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાત પર છેલ્લા એક સપ્તાહથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં સારો વરસાદ વરસ્યો છે. જો કે લોકો હવે મેઘરાજા ખમૈયા કરતે તેવું ઈચ્છી રહ્યા છે. પરંતુ હજી ત્રણ દિવસ આખું ગુજરાત ભીંજાઈ શકે છે.

Gujarat Rains news